પહેલા તબક્કાનું મતદાન પુરજોશમાં: આંધ્રમાં 100 EVM ખરાબ, ઔરંગાબાદમાં બૂથ નજીક IED બ્લાસ્ટનો પ્રયાસ..

Contact News Publisher

લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પહેલા તબક્કાનું મતદાન આજે પુરજોશમાં થઈ રહ્યું છે. આજથી ૧૯ મે સુધી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. આજે પહેલા તબક્કામાં દેશનાં ૧૮ રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની તમામ બેઠકો માટે પણ આજે પહેલા તબક્કાના મતદાન સાથે જ મતદાન થઈ રહ્યું છે.

આ પહેલા તબક્કામાં કુલ ૧ર૭૯ ઉમેદવારો મેદાનમાં છે, જેમની કિસ્મતનો ફેંસલો ૧૪ કરોડ ર૦ લાખ પ૪ હજાર ૯૭૮ મતદારો કરશે, જેમાં ૭ કરોડ ર૧ લાખ પુરુષ મતદારો અને ૬ કરોડ ૯૮ લાખ મહિલા મતદારો સામેલ છે. તેમના માટે કુલ ૧.૭૦ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે.

પ્રારંભિક અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ૧૦૦ જેટલાં ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદો મળી છે, જ્યારે આૈરંગાબાદમાં બૂથ નજીક આઈઈડી બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરનગર અને મેરઠમાં ઈવીએમ બગડતાં મતદાન ઠપ થઈ ગયું છે, જ્યારે જનસેનાના એક ઉમેદવારે ઈવીએમ તોડી નાખતાં ચકચાર મચી ગઈ છે.

પહેલા તબક્કામાં ૧૦ રાજ્યની તમામ બેઠકો પર આજે મતદાન પૂર્ણ થઈ જશે. બીજી તરફ આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ ૧૭પ,, અરુણાચલ પ્રદેશની તમામ ૬૦, સિક્કિમની તમામ ૩ર અને ઓડિશાની ૧૪૭માંથી ર૮ વિધાનસભા બેઠકો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે.

નાગપુરમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. ભાગવતે જણાવ્યું હતું કે મત આપવો એ દરેક નાગરિકનું કર્તવ્ય છે અને તમામ લોકોએ મતદાન કરવું જ જોઈએ.

પહેલા તબક્કામાં ૯૧માંથી ૩૩ લોકસભા બેઠકો એવી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, તેમાં સૌથી વધુ સાત બેઠક મહારાષ્ટ્રની છે. પાંચ-પાંચ બેઠક આસામ અને ઉત્તરાખંડની તથા ચાર બેઠક બિહારની છે. આ તમામ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અથવા તો એનડીએ અને યુપીએ વચ્ચે સીધી ટક્કર છે.

છત્તીસગઢની બસ્તર બેઠકના નારાયણપુરમાં નક્સલવાદીઓએ મતદાન પહેલાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. સુરક્ષાદળોએ હાલ પાંચ જેટલા શકમંદની અટકાયત કરી છે. જનસેનાના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ ઈવીએમ તોડી નાખ્યું હતું. પોલીસે તેમની ધરપકડ કરી છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન હરીશ રાવતે તેમનાં પત્ની સાથે હલદાનીમાં મતદાન કર્યું હતું. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ પરિવાર સાથે અમરાવતીમાં પોતાનો વોટ નાખ્યો હતો. બાગપતના બડૌત ખાતે મતદાન કરવા આવેલા લોકો પર એનસીસી કેડેટ્સે ફૂલ વરસાવ્યાં હતાં. વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ કડપ્પામાં મતદાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *