દાંતેવાડામાં નક્સલી હુમલો : ભાજપના MLAનું મોત, ચાર જવાન શહીદ

Contact News Publisher
  • અગાઉ ૨૦૧૩માં આ જ વિસ્તારમાં કોંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા સહીત ૨૭ની નક્સલીઓએ હત્યા કરી હતી
  • વિસ્ફોટની સાથે નક્સલીઓએ ગોળીબાર પણ કર્યો હતો, પાંચ જવાનો ગંભીર રીતે ઘવાયા 
  • બસ્તરમાં ૧૧મીએ મતદાન હોવાથી ૮૦ હજારથી વધુ સુરક્ષા જવાનો, ડ્રોનની ચાંપતી નજર છતા નક્સલીઓ હુમલો કરી ગયાછત્તીસગઢમાં માઓવાદીઓએ ભાજપની પ્રચાર રેલીને નિશાન બનાવી હુમલો કર્યો હતો, જેમાં ભાજપના એક ધારાસભ્યનું મોત નિપજ્યું હતું જ્યારે ચાર જવાનો પણ શહીદ થયા હતા.લોકસભાની ચૂંટણીના બે દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટના આકરા પ્રત્યાઘાતો પડયા છે. છત્તીસગઢના દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા માંડવી તેમના અન્ય સાથી નેતાઓ અને સુરક્ષા જવાનોની સાથે કાફલો લઇને પસાર થઇ રહ્યા હતા જેને માઓવાદીઓએ નિશાન બનાવ્યો હતો.

    માઓવાદીઓ આઇઇડી વિસ્ફોટથી વાહનોને ઉડાવ્યા હતા સાથે નેતાઓ પર અંધાધુધ ગોળીબાર કરી દીધો હતો, જેમાં ધારાસભ્ય ભીમા માંડવીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે તેમની સાથે જે સુરક્ષા જવાનો હતા તેઓ પણ શહીદ થયા હતા.

    આ ઘટના બાદ મોટા પ્રમાણમાં હુમલા સ્થળે સુરક્ષા જવાનોનો કાફલો દોડી ગયો હતો અને આસપાસના જંગલોમાં હુમલા બાદ નાસી છુટેલા નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન જારી કર્યું હતું. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રોડ પર મોટો ખાડો પાડી દીધો હતો જ્યારે ભાજપના ધારાસભ્યના વાહનના લીરે લીરા ઉડી ગયા હતા.

    આ હુમલા અંગે માહિતી આપતા સીઆરપીએફએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય ભીમા માંડવી અને તેમનો કાફલો દાંતેવાડાના કઉઆકોન્ટા અને સ્યામગીરી વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો.  જે માઓવાદીઓના આઇઇડી વિસ્ફોટની લપેટમાં આવી ગયો હતો. જેમાં ધારાસભ્યનું મોત નિપજ્યું હતું સાથે ચાર જવાનો શહીદ થયા છે.

    દરમિયાન અન્ય આશરે પાંચથી વધુ સુરક્ષા જવાનો ગંભીર રીતે ઘવાયા છે. દાંતેવાડા બસ્તક લોકસભા સીટમાં આવે છે અને તેને નક્સલીઓનો ગઢ માનવામાં આવે છે. અહીં ગાઢ જંગલો હોવાથી નક્સલીઓ સહેલાઇથી હુમલો કરીને છુપાઇ જાય છે. આ બેઠક પર લોકસભાના પહેલા તબક્કાનું મતદાન આગામી ૧૧મી તારીખે યોજાવા જઇ રહ્યું છે.

    બસ્તરમાં આશરે ૮૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે સાથે ડ્રોનથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરેક બુથ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.  આ પહેલા ૨૦૧૩માં પણ બસ્તરમાં કોંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન વી.કે. શુક્લા સહીત ૨૭ લોકોની નક્સલીઓએ હત્યા કરી હતી.

    બસ્તરમાં નક્સલીઓ મોટા પ્રમાણમાં સક્રીય છે. આ હુમલાને વખોડીને વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જવાનોની શહબાદતને સલામ કરુ છું, તેમનું બલીદાન એળે નહીં જાય. જ્યારે રાજનાથસિંહે કહ્યું હતું કે મે પીડિતોના પરિવાર સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત ફોન પર મુખ્ય પ્રધાન ભુપેષ બઘેલ અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *