ભુજના સૂચિત પાર્કિંગ પ્લોટ પર પાકા દબાણરૂપી ‘પાર્કિંગ’ ખડકાયું.

Contact News Publisher

મહાનગરપાલિકા બનવા અગ્રેસર શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો પરેશાન : પુનઃવસન પ્લાનમાં સૂચવાયેલા ૩૬ જેટલા પાર્કિંગ પ્લોટ પર થઈ ગયા દબાણ : પાર્કિંગ વ્યવસ્થાના અભાવે બજાર વિસ્તારમાં સર્જાય છે ટ્રાફિક જામ : આડેધડ પાર્કિંગ અને લારીગલ્લાના દબાણોથી વકરી સમસ્યા

ભુજ : કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ શહેર મહાનગર બનવા અગ્રેસર થઈ રહ્યું છે. રાજાશાહી વખતમાં ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલુ ભુજ શહેર આજે પોતાની પાંખો પ્રસારી ખૂબ વિક્સિત શહેર બન્યું છે. વર્ષ ર૦૦૧માં વિનાશક ભૂકંપમાં ધ્વશં થયેલું ભુજ શહેર પુનઃવર્સન બાદ બેનમૂન બન્યું છે. જુના કોટ વિસ્તારથી દૂર બનેલી રિલોકેશન સાઈડના સીમાડાઓ વટાવી ખૂબ વિસ્તાર પામ્યું છે. છેલ્લા બે દાયકામાં જિલ્લાના થયેલા વિકાસના પગલે ભુજની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે ભુજ શહેરમાં દેશના લગભગ દરેક રાજ્યના લોકો વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. કુદકે ભૂસકે વધી રહેલી વસતીને ધ્યાને લઈ ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ પ્રબળ બની છે. તો બીજીતરફ શહેરના કેટલીક માળખાકીય સુવિધાઓનો અભાવ લોકોને ખટકી રહ્યો છે. વિનાશક ભૂકંપ બાદ થયેલા પુનઃવર્સનમાં ભવિષ્યને ધ્યાને લઈ કેટલાક મહત્વપૂર્ણ પ્રકલ્પો સૂચવાયા હતા, જેમાં સૌથી મુખ્ય શહેરની પાર્કિંગ સમસ્યાને લઈ ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. શહેરની વસતીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધશે તેને ધ્યાને રાખી શહેરમાં પાર્કિંગની પુરતી વ્યવસ્થાના સૂચનો થયા હતા, પરંતુ નગરપાલિકા તંત્રની લાપરવાહીના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા આજે ખૂબ મોટૂંરૂપ લઈ ચુકી છે.ભુજના પ્રબુદ્ધ નાગરિકો જણાવે છે કે, ભુજ શહેરના સુનિયોજીત પુનઃવર્સન માટે ભુજ શહેર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા)ની રચના કરવામાં આવી હતી. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી શહેરને ફરી બેઠું કરવાનો માસ્ટર પ્લાન તજજ્ઞો અને શહેરીજનોના સૂચન સાથે ઘડાયો હતો. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પહોળા રસ્તાઓ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં રસ્તાઓ તો પહોળા બન્યા પરંતુ પાર્કિંગ પ્લોટની વાત વિસ્તારી દેવામાં આવી છે. શહેરમાં કુલ ૩૬ સ્થળો પાર્કિંગ પ્લાોટ માટે અનામત રખાયા હતા, પરંતુ નગરપાલિકા તંત્રના ઉદાસીન વલણના કારણે પાર્કિંગે શહેર એ શહેરની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.પુનઃવર્સન પ્લાનમાં જુના બજાર વિસ્તાર, બસ સ્ટેશન, ભીડ વિસ્તાર, વાણિયાવાડ વગેરે સ્થળો ઉપરાંત નવા બનેલા રીંગરોડની આસપાસ ૩૬ જેટલા પાર્કિંગ પ્લોટની જોગવાઈ કરવામાં આવી હતી. સૂચિત ૩૬ પ્લોટ પૈકી અમુક પ્લોટ પર પાકાં દબાણો ઉભા થઈ ગયા છે. તો અન્ય સ્થાનો પર પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. ભુજ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા હોસ્પિટલ રોડ, ઉપલીપાળ, અનમરીંગરોડ, સ્ટેશન રોડ, ભીડ બજાર, શરાફ બજાર, વાણિયાવાડ, આશાપુરા મંદિર રોડથી માંડી ઠેઠ એરપોર્ટ સુધીના વિસ્તારોમાં પાર્કિંગની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. લોકો આડેધડ જાહેર રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બને છે. રજા સિવાયના દિવસોમાં બજાર વિસ્તાર, હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ જેવા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માત્ર આડેધડ થતા પાર્કિંગથી સર્જાય છે. ભુજના અનમ રીંગ રોડ અને છઠ્ઠી બારી રીંગ રોડ પર રસ્તા પર આડેધડ ગોઠવાઈ જતા દબાણો અને વાહનોના પાર્કિંગથી દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે.શહેરમાં બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફુટી નિકળેલા દબાણો, લારીગલ્લાઓના ખડકલા સમસ્યામાં વધારો કરે છે. તહેવારના દિવસોમાં તો બજારમાં વાહન ચાલકો અને રાહદારીઓની બુરી વલે થતી હોય છે.નગરપાલિકાના શાસકોના પાપે પાર્કિંગની સુચારૂ વ્યવસ્થા સૂચવાઈ હોવા છતાં તેના પર અમલ થયો નથી. શહેરના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો થઈ છતાં સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. શહેરને મહાનગરપાલિકા બનાવવાનું સ્વપ્ન જોતા શાસકપક્ષના આગેવાનો શહેરીજનોની સૌથી મોટી સમસ્યાને હલ કરવામાં નિષ્ફળ નિવળ્યા છે. પાર્કિંગ માટે અનામત રખાયેલા પ્લોટ પર પાકા દબાણો થઈ ગયા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે રોષ ભર્યા સ્વરે શહેરના જાગૃત નાગરિકો કહે છે કે, પાર્કિંગ પ્લોટ પર ફુટી નિકળેલા દબાણો શાસક પક્ષના લોકોના અને તેના મળતિયાઓના જ છે. અને તેથી જ ભુજવાસીઓ માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલી પાર્કિંગની સમસ્યાના સમાધાન માટે સુધરાઈ તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી.

Exclusive News