ભુજના રામનગરી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી મુદ્દે બબાલ

Contact News Publisher

ભુજ : શહેરના રામનગરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સુચિત પાણીનો ટાંકો બનાવવા દબાણો દુર કરવાની કામગીરી વિવાદના વંટોળમાં સપડાઈ છે. આજે ભુજ નગરપાલિકાની કચેરી ખાતે સ્થાનિક રહેવાસીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગરપાલિકાના કર્મચારી દ્વારા ધાક ધમકી આપવામાં આવી હોવાની રજૂઆત કરી હતી.
સ્થાનિક રહેવાસીઓ સાથે ઉપસ્થિત કોંગ્રેસના રફીકભાઈ મારાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકાની દબાણ શાખાના કર્મી ભરતભાઈ મોઢે સ્થાનિક રહેવાસીઓ, મહિલા વર્ગને ધાક ધમકીઓ આપી દબાણ ખાલી કરવા જણાવ્યું છે. ભુજ શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓ, રાજકારણીઓના મોટા દબાણો દુર કરવાના બદલે સુધરાઈ તંત્ર ગરીબોને હેરાન કરતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
આ તરફ ભુજ નગરપાલિકા દબાણ શાખાના ભરતભાઈ મોઢે જણાવ્યું હતું કે, રામનગરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધામાં વધારો કરવા પાણીનો ટાંકો બનાવવામાં આવશે. જે કામગીરી માટે સ્થાનિકે દબાણકારોને નગરપાલિકા દ્વારા નોટીસ આવી દબાણો ખસેડી લેવા જણાવાયું હતું. અમુક દબાણકારો નેતા બનવાની ઘેલછામાં ફાલતુ હોબાળો કરી વિવાદ ઉભો કરી રહ્યા છે. સુધરાઈ દ્વારા નોટીસ મળતા મોટાભાગના દબાણો સ્વેચ્છાએ ખસેડી લેવામાં આવ્યા છે. તેમણે સ્થાનિકે જઈ બાકી રહેતા દબાણોને દુર કરી દેવા જણાવ્યું હતું. સ્વેચ્છાએ દબાણો દુર નહીં થાય તો સુધરાઈ દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, રામનગરીના રહેવાસીઓ દ્વારા સુધરાઈની દબાણ શાખાના કર્મચારી વિરૂધ્ધ લેખિત રજૂઆત મળી છે. તંત્ર દ્વારા તપાસ કરી જાે કર્મચારીએ ગેરવર્તન કર્યું હશે તો તેની વિરૂધ્ધ કાર્યવાહી કરાશે. તેવું વધુમાં ઉમેર્યું હતું.