માવઠાની આગાહી વચ્ચે શહેરથી હાઇવે સુધી વિઝિબિલિટી ડાઉન, વાહનોની લાઈટો ચાલુ કરવી પડી

Contact News Publisher

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે ભરઉનાળે સુરત શહેર જિલ્લામાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને લાઈટો ચાલું કરવાની ફરજ પડી હતી. હાઈવે પર પણ વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

500 મીટર દૂર દેખાતું જ બંધ થઈ ગયું
સુરત શહેરમાં ગત રોજથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે સવારથી જ સુરત સહિત જિલ્લામાં ભારે ધુમ્મસ છવાયો છે. સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે ધુમ્મસના પગલે 500 મીટર દૂર દેખાતું જ બંધ થઈ ગયું હતું. જેના પગલે વાહન ચાલકોએ વાહનોની લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જ્યારે સુરત જિલ્લામાં પણ ભારે ધુમ્મસના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર ભારે ધુમ્મસના પગલે અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આગામી 3 દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે
શહેરના આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જો કે, વરસાદ નોંધાયો નથી. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થતા ગરમીનું જોર યથાવત રહ્યું હતું. જ્યારે દરિયાઇ પવનો સક્રિય થતા ગરમીથી રાતે આંશિક રાહત મળી હતી. આગામી 3 દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સુરત શહેર અને જિલ્લામાં કેટલાક જગ્યાએ ઝાપટા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

એપ્રિલમાં માવઠાના બીજા રાઉન્ડની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યાનુસાર સુરત શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 25 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. 6 કિલોમીટરની ગતિએ દરિયાઇ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, મહત્તમ તાપમાન સરેરાશથી 1 ડિગ્રી વધારે છે. માર્ચમાં શહેરમાં બે વાર કમોસમી વરસાદ બાદ એપ્રિલમાં એક વરસાદનો રાઉન્ડ આવી ગયો છે. આગામી દિવસમાં ફરી બીજો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. જેને લઇ આ સિઝનમાં અત્યાર સુધી તો ગરમીના દિવસો ઓછા રહ્યા છે. જ્યારે મોટાભાગના દિવસોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.