અલગ અલગ થીમ પર નવ દિવસ ચાલી ઘનશ્યામ બાળ પારાયણ

Contact News Publisher

બદ્રીકાશ્રમ ખાતે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, તાનજનીયા, કંપાલા, યુરોપ, અમેરિકા, કેનેડા સહિતનાં ૪,૫૦૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો : બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાનો સંતોનો મુખ્ય ઉદેશ્ય

   

ભુજ : સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત બદ્રીકાશ્રમ ખાતે પહેલીવાર બાળકો માટે ખાસ અનોખુ, આગવુ અને અલાયદુ ઘનશ્યામ બાળ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેશ-વિદેશનાં સાડા ચાર હજારથી પણ વધુ બાળકો-બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ બાબતે વધુ માહિતી આપતાં શાસ્ત્રીસ્વામી રાઘવમુનિદાસજીએ જણાવ્યું હતું કે, ઉત્સવની સાથે સાથે બાળકોને પણ ગમ્મત સાથે જ્ઞાન આનંદ મળી રહે, ભગવાન પ્રત્યે, સંતો પ્રત્યે આધ્યાત્મિક ભાવના જાગે, અત્યારથી જ રાષ્ટ્રીય ભાવના અને દેશ પ્રત્યે પ્રેમ જાગે, બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે સંતો, હરિભક્તો દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અહીં મહોત્સવની ઉજવણીનાં નવ દિવસને ધ્યાને લઇને દરરોજ અલગ અલગ દિવસે અલગ અલગ થીમ રાખીને બાળકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. જેમાં ભગવત દર્શન, વિદ્યાદર્શન, સંત દર્શન, પ્રકૃતિ દર્શન, સ્વ દર્શન, સંસ્કૃતિ દર્શન, સ્વાસ્થ્ય દર્શન અને કર્તવ્ય દર્શનનો સમાવેશ થાય છે.
જે દિવસે જે થીમ હોય તે થીમને સમજાવતી કથા, કિર્તન, રમત, મનોરંજન સહિતનાં તમામ કાર્યક્રમો એજ થીમ આધારે યોજીને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હતું.સચિત્ર ચરિત્ર કથા, પ્રેઝન્ટેશન દ્વારા સમજુતિ, ઘનશ્યામ જન્મોત્સવ સહિતનાં ઉત્સવો, નૃત્ય અને રૂપક દ્વારા સંસ્કારોનું સિંચન, સંગીત સાથે કિર્તન, ધૂન, વિવિધ પ્રકારની રમતોની સાથે સાથે અવનવા પ્રસાદની પણ બાળકોને મોજ કરાવવામાં આવતી હતી.
આ ઘનશ્યામ બાળ પારાયણમાં કચ્છ, ગુજરાત તથા ભારત તેમજ આફ્રિકા, ઓસ્ટ્રલીયા, લંડન, તાનજનીયા, કંપાલા, યુરોપ, અમેરિકા, કેનેડા, દુબઇ, સીશલ, મોરેશિયસ, સ્વીડન સહિતનાં ૨૦થી ૨૫ દેશનાં બાળકો પણ ઉત્સાહભેર જાેડાયા હતાં. બાળકો અને બાલીકાઓ માટે અલગ અલગ સ્ટેઝ બનાવામાં આવ્યા હતાં અને બંન્ને સ્ટેઝ ઉપર એક સાથે જ પ્રવૃત્તિઓ શરૂ કરાવામાં આવતી હતી. આ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા બાળકોને મહોત્સવની કાયમી યાદગીરી રહે રૂપે ઇનામો પણ આપવામાં આવ્યા હતાં.
આ ઘનશ્યામ બાળ પારાયણમાં ૨૫થી ૩૦ જેટલા વિવિધ ભાષાનું જ્ઞાન ધરાવતાં સંતો, ૩૦થી ૪૦ સાખ્યયોગી બહેનો દ્વારા થીમ આધારીત પ્રવૃત્તિઓ કરાવામાં આવી હતી. જેમાં ૨૦૦થી વધુ સ્વયંમસેવકોએ સહયોગ આપ્યો હતો. નોંધનીય બાબત એછેકે, જે બાળકોએ સ્વામિનારાયણ મહામંત્રનાં સથવારે સારા ચિત્રો બનાવ્યા હતાં તેને પણ અહીં પ્રદર્શનીમાં મુકવામાં આવ્યા હતાં.