ડમીકાંડમાં યુવરાજ સિંહ સામે સૌથી મોટો ખુલાસો: પુરાવા મળ્યા હોવાનો પોલીસનો દાવો, લાખોના વ્યવહારની ડાયરી મળી

Contact News Publisher

ભાવનગર ડમીકાંડમાં તોડકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. તોડકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લગાવનાર બિપિન ત્રિવેદીએ વધુ એક મોટો ભાંડો ફોડ્યો છે. જે બાદ હડકંડ મચી ગયો છે.

બિપિન ત્રિવેદીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં કેટલાક નામ જાહેર ન કરવા માટે મોટો તોડ કર્યો હતો. યુવરાજસિંહ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા તોડબાજી કરતા હતા. આ કામમાં યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા પણ મદદ કરતા હતા. બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા વચેટિયા બની રૂપિયા ઉઘરાવતા હતા. જેમાંથી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામને 10 ટકા કમિશન મળતું હતું. બંને વચેટિયા કમિશન વધારવાની માંગ કરતા હતા. જોકે, યુવરાજસિંહે વધુ કમિશન ન આપતા બિપિને ભાંડો ફોડ્યો હતો.

ભાવનગરમાં ડમીકાંડના તોડકાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસને યુવરાજસિંહ વિરુદ્ધ પુરાવા મળ્યા છે. જે મુજબ યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરના દહેગામમાં પોતાના સસરાના નામે પ્લોટ ખરીદ્યો હતો. દહેગામમાં યુવરાજસિંહના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પત્ની દહેગામમાં રહેતી હોવાની યુવરાજસિંહે પ્લોટ ખરીદ્યો હોવાની આશંકા છે. પ્લોટ ખરીદવા માટે યુવરાજસિંહે બિલ્ડરને 13 લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડર સાથે કરેલા વ્યવહારની ડાયરી પોલીસને મળી છે.