સુરતમાં એકસાથે 2 લોકોના હાર્ટ એટેકથી મોત: શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Contact News Publisher

સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં એક મહિલા અને એક યુવકનું મોત થયું છે.

ડાયમંડ નગરી સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. સુરતના સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ સાથે અન્ય એક 28 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી જ નિધન થયું છે. પ્રાથમિક વિગતો મુજબ બંને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબો બંનેને મૃત જાહેર કર્યા હતા.

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.