બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો ફાટી નીકળે નહીં તે માટે આરોગ્ય વિભાગ સર્તક

Contact News Publisher

આરોગ્ય વિભાગ દ્વારા ૮૮૪થી વધારે ટીમો બનાવીને  ગામડે ગામડે ડોર ટૂ ડોર થઈ રહ્યો છે સરવે : ક્લોરીન ગોળી વિતરણ, દવા છંટકાવ, ફોગિંગની કામગીરીમાં જોતરાયા છે આરોગ્યકર્મીઓ :પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય  વિભાગે કર્યું હતું આગોતરું આયોજન

ભુજ : જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન લોકો માટે રાહતદાયક બની રહ્યું છે. ખાસ કરીને વાવાઝોડા બાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેતો હોય છે. જોકે, વાવાઝોડા પહેલા જ રણનીતિ બનાવીને આગોતરા આયોજન થકી તમામ કામગીરી કેવી રીતે સરળતાથી થઈ શકે તે માટે આરોગ્ય વિભાગે એલર્ટ થઈને ટીમો બનાવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર કચ્છમાં ૮૮૪ ટીમ બનાવીને વાવાઝોડા બાદ તુરંત જ કામગીરી શરૂ કરવામાં આવી છે.

પાણીજન્ય રોગચાળો ફાટે નહીં તે માટે ગામડાઓમાં જઈને આરોગ્ય વિભાગની ટીમો સરવે કરી રહી છે. ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને કેવી રીતે પાણીજન્ય રોગચાળાથી બચી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી રહી છે. પાણીના મુખ્ય સ્ત્રોતો ઉપર આરોગ્ય વિભાગ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરી રહ્યો છે. ક્લોરિન ટેસ્ટના માધ્યમથી પાણી જનઆરોગ્ય માટે હાનિકારક તો નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. જો આવું જણાય તો નગરપાલિકા, પાણી વિતરણ વ્યવસ્થાના અધિકારીશ્રીઓનું તાત્કાલિક ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. વાવાઝોડા બાદ તડકો નીકળી આવતા રોગચાળો ફેલાઈ તેની શક્યતા ઘટી છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ગોળી વિતરણ, દવાનો છંટકાવ, ફોગિંગની કાર્યવાહી ઝડપથી કરવામાં આવી રહી છે. મચ્છરોનો ઉપદ્વવ ઘટાડવા માટે પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.ફૂલમાલીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની સાથે લોકોનો સહયોગ પણ ખૂબ જરૂરી છે. લોકોએ પોતાના રહેઠાણની નજીકના વિસ્તારમાં કે કોઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા પાત્રો હોય તો તેને સાફ કરી દેવા જોઈએ કે પછી તેનો નાશ કરવો જોઈએ જેથી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતો અટકાવી શકાય. આ ઉપરાંત, તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટર તેમજ અન્ય આરોગ્ય ફેસિલિટીઝમાં નોંધાતા મચ્છરજન્ય રોગોના કેસો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેના આધારે કામગીરી કરવામાં આવી રહી છે.