ગાંધીધામમાં કન્ટેનરમાંથી 10.04 કરોડનું કોકેઇન ઝડપાયું

Contact News Publisher

            ગાંધીધામમાં શહેરની ભાગોળે આવેલા ખાનગી સી.એફ.એસ.માં ડી.આર.આઇ.એ દશેક કન્ટેનર રોકાવી તપાસ કરતાં  કન્ટેનરમાંથી ચુસ્ત રીતે લપેટાયેલું એક પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટમાંથી રૂા. 10.04 કરોડનો 1.04 કિલોનો  માદક પદાર્થ કોકેઇન મળી આવતાં તે જપ્ત કરવામાં આવ્યો હતો  લાકડાની આડમાં ઘુસાડાયેલો કરોડોનો માદક પદાર્થ મળતાં ભારે ચકચાર મચી  હતી. આ ડ્રગ્સ ઘાનાની બનાવટનું છે અને ઈક્વાડોર મોકલવાનું હતું. ઈક્વાડોરથી મુંદરા બંદરે આયાત કરેલા કન્ટેનરોમાં લાકડાની આડમાં માદક પદાર્થ ઘુસાડાયો હોવાની હકીકત ના આધારે  ડી.આર.આઇ.એ  સવારથી ગાંધીધામ નજીક એ. વી. જોષી સી.એફ.એસ.માં દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં આવેલા દશેક કન્ટેનરની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે પૈકી એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લાકડામાં લપેટાયેલું મળી આવ્યું હતું. તેની અંદર કેવા પ્રકારનો માદક પદાર્થ છે તે માટે એફ.એસ.એલ.ને બોલાવાઇ છે.

                વિદેશથી આયાત કરાયેલા આ કન્સાઇન્મેન્ટ માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી નહોતી અને મુંદરા બંદરથી માલ બહાર કાઢી આ ખાનગી સી.એફ.એસ.માં લઇ જવાયો હતો. વર્ષ 2021થી પડેલા આ કન્ટેનરો કોઇ છોડાવવા આયાતકાર ન આવતાં અંતે તેમાં રહેલા માલની હરાજી કરવાનું નક્કી કરાયું હતું તેવામાં ડી.આર.આઇ.એ ત્યાં જઇ કન્ટેનરોની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 220.63 મેટ્રિક ટન આ લાકડાઓની તપાસમાં પેકેટ મળી આવ્યું હતું જેમાં 1.04 કિલો માદક પદાર્થ કોકેઇન હોવાનું તથા તેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10.04 કરોડ હોવાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. ગત 24/4/2022ના પણ આ ખાનગી સી.એફ.એસ.માં 17 કન્ટેનર ડી.આર.આઇ.એ રોકાવ્યા હતા. આ કન્ટેનરોમાં ભરેલ જીપ્સમ પણ છ મહિના સુધી અહીં પડી રહ્યું હતું. બાદમાં તપાસ એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હતી. જે તે વખતે જીપ્સમની આડમાં રૂા. 1439 કરોડનું 205.6 કિલો હેરોઇન ઘુસાડાયું હોવાનું બહાર આવ્યું હતું. આવા પ્રકરણમાં આરોપીઓ કે પેઢીઓના નામ જાહેર કરાતા નથી. એજન્સીઓ તપાસના હિતને આગળ ધરીને આવી માહિતી છુપાવે છે.

                 બીજીબાજુ નાની એવી ચોરીમાં ઝડપાયેલા તસ્કરોના ફોટા સહિતની વિગતો પોલીસ જાહેર કરે છે તો આવા મોટા ચોરો પ્રત્યે કૂણું વલણ શા માટે તેવા પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. આ પ્રકરણમાં પણ આયાતકાર કોણ છે ? કંપની કઇ છે તે સહિતની વિગતો બહાર આવી નથી જેની આગળની તપાસ ડી.આર.આઇ.એ હાથ ધરી છે.