મોદી ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને મળીને ભાવુક થયા:કહ્યું- તમારાં દર્શન કરવા હતા, ચંદ્ર પર જ્યાં લેન્ડર ઊતર્યું હતું એ જગ્યા ‘શિવશક્તિ પોઇન્ટ’ કહેવાશે, 3 મોટી જાહેરાત કરી

Contact News Publisher

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ISROના કમાન્ડ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે 3 જાહેરાત કરી હતી. પ્રથમ- દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે. બીજી- જે જગ્યાએ લેન્ડર ચંદ્ર પર ઊતર્યું છે એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી- ચંદ્રયાન-2ના જે જગ્યા પર નિશાન છે એ પોઈન્ટને ‘તિરંગા’ નામ તરીકે ઓળખાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 7.30 વાગ્યે બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.

PM સવારે 7.30 વાગ્યે કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા, ઈસરોના ચીફની પીઠ થપથપાવી હતી
ઈસરોના વડા એસ. સોમનાથે ઈસરો કમાન્ડ સેન્ટર ખાતે પીએમ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પીએમએ સોમનાથને ભેટીને તેમની પીઠ થપથપાવી હતી. સફળ ચંદ્રયાન-3 મિશન માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મોદીએ કહ્યું, ‘હું દક્ષિણ આફ્રિકામાં હતો, પછી ગ્રીસમાં કાર્યક્રમમાં ગયો હતો, પણ મારું મન તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું. ક્યારેક એવું લાગે છે કે હું તમારા લોકો સાથે અન્યાય કરું છું. મારી અધીરાઈ અને તમારી મુશ્કેલી. હું તમને નમન કરવા માગતો હતો (ભાવુક થઈને ગળગળા સ્વરે) હું તમને શક્ય એટલી વહેલી તકે જોવા માગતો હતો…

મોદીએ કહ્યું, ‘હું તમને સલામ કરવા માગતો હતો. તમારી મહેનતને સલામ… તમારી ધીરજને સલામ… તમારા જુસ્સાને સલામ… તમારી જીવનશક્તિને સલામ. તમારી ભાવનાને સલામ…

PM મોદીની 3 મોટી જાહેરાત…
1- ચંદ્રયાન-3 જે સ્થાને ઊતર્યું એ સ્થાન હવે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.
2- 23 ઓગસ્ટનો દિવસ હવે અંતરિક્ષ દિવસ તરીકે ઊજવાશે.
3- ચંદ્રયાન-2ના ચંદ્ર પર જે સ્થાને પદચિહ્ન પડ્યાં હતાં એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.