માધાપરની કિશોરીએ પ્રેમી સાથે મળી માતાની નીપજાવી હતી હત્યા

Contact News Publisher

ભુજના માધાપરમાં રહેતી કિશોરીએ તેના પ્રેમી અને અન્ય એક આરોપી સાથે મળી માતાની હત્યા નીપજાવી છે.આરોપીએ 38 વર્ષીય માતા સાથે સબંધ રાખ્યા બાદ તેની 17 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી.જેની જાણ કિશોરીની માતાને થઇ જતા આરોપીઓએ ફરવાના બહાને મુન્દ્રાના હમીરામોરા વિસ્તારમાં લઇ જઈ મોતને ઘાટ ઉતારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા મરીન પોલીસ મથકે મૂળ જુનાગઢના અને હાલ માધાપર નવાવાસમાં રહેતા ફરિયાદી જીતેન્દ્ર ગીરધરલાલ ભટ્ટે માધાપરના આરોપી યોગેશ કમલપ્રસાદ જોતીયાના,નારણ બાબુ જોગી પારધી અને કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.માધાપરમાં કડીયાકામ કરતા ફરિયાદીનો સાથે કામ કરવા આવતા લક્ષ્મીબેન કિશોર મુળજી વેકરીયા સાથે પરિચય થયો હતો.લક્ષ્મીને તેના પતિ સાથે અણબનાવ થયા બાદ નવ વર્ષ અગાઉ ફરિયાદી સાથે લગ્ન કર્યા હતા.ફરિયાદીની પત્ની લક્ષ્મીને અગાઉના પતિથી સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી થયા હતા.જેમાં દીકરો ચેતન અને 17 વર્ષીય દીકરી ફરિયાદી સાથે રહેતા હતા.ફરિયાદીની પત્ની માધાપરમાં છેલ્લા એક વર્ષથી કલરકામ કરતી હતી.

જે સાથે કામ કરતા આરોપી યોગેશના સંપર્કમાં આવી હતી.આરોપી ફરિયાદીની પત્નીને મળવા અવારનવાર તેના ઘરે આવતો હતો.જેનો ફરિયાદીએ વિરોધ કરતા તેની પત્નીએ મને પોસાય છે અને તે મને મળવા આવશે તેવું કહ્યું હતું.ત્યારબાદ આરોપીની ખરાબ નજર સાથે કામ કરવા આવતી લક્ષ્મીની 17 વર્ષીય દીકરી પર બગડતા તેને પ્રેમજાળમાં ફસાવી હતી.સમગ્ર બનાવની જાણ ફરિયાદી અને તેની પત્નીને થતા દીકરીને આરોપી સાથે કામ પર જવાનું બંધ કરાવી દીધું હતું.જેથી કિશોરી અને આરોપી મળી શકતા ન હતા.

ત્યારબાદ કાયદાના સંઘર્ષમાં આવેલી 17 વર્ષીય કિશોરી અને તેના પ્રેમીએ ફરિયાદીની પત્નીનો કાંટો કાઢી નાખવાનો કાવતરૂ ઘડી ગત તારીખ 10 જુલાઈના ફરિયાદીની પત્નીને ​​​​​​​ફરવા જવાનું કહી આરોપી નારણની વેગનઆર ગાડી નંબર જીજે 12 ઈઈ 2657 માં બેસાડી મુન્દ્રાના હમીરામોરા વિસ્તારના દરિયા કિનારે લઇ જઈ હત્યા નીપજાવી હતી.બનાવ બાદ લક્ષ્મીનો મૃતદેહ મળી આવ્યા બાદ મુન્દ્રા મરીન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.બનાવ સંદર્ભે મુન્દ્રા મરીન પોલીસના પીએસઆઈ વી.એ.જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હત્યા નીપજાવનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.આરોપીઓએ કેવી રીતે બનાવને અંજામ આપ્યો તે સહિતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આરોપીએ માતા સાથે સબંધ રાખ્યા બાદ દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આરોપી યોગેશનો સાથે કલરકામ કરતી કિશોરીની માતા લક્ષ્મી સાથે મનમેળ થયો હતો.ત્યારબાદ આરોપી અવારનવાર ઘરે આવતો હતો.આરોપીએ તેની માતાની સાથે કલરકામ કરવા આવતી તેની 17 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી.લગ્નેતર સંબંધોના દુષ્પરિણામોનો આ કિસ્સો ઉકેલવામાં પોલીસે ખાસ્સી માથાઝિક કરી હતી.