રોડ પર કેમિકલ યુક્ત પાણી છોડાતા સ્થાનિકોમાં રોષ

Contact News Publisher

સુરતના અશ્વિની કુમાર ફૂલ માર્કેટ વિસ્તારમાં રોડ પર કેમિકલ યુક્ત પાણી  છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને રહીશોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો  છે, રોડ પર જ ગરમ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, તો બીજી બાજુ  પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ અંગે અનેક ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં કોઈ જતની  કાર્યવાહી કરવામાં આવતી નથી.

સુરતમાં કેમિકલ યુક્ત પાણીને લઈને લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, અશ્વિની કુમાર ફૂલ માર્કેટ નજીક  જાહેર રોડ પર હાલ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, અહી કેમિકલ યુક્ત પાણી રોડ પર ફરી વળ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને પણ ખુબ જ હાલાકી પડી રહી છે. રહીશો લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી છોડવાની સમસ્યા સંદતર બંધ થાય તેવી માગ કરી રહ્યા છે.વોર્ડ નંબર 5ના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે, ફૂલ માર્કેટ પાસે ડાઈંગ મિલોનું કેમિકલ યુક્ત ગરમ પાણી રોડ પર અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવી જાય છે. જેને લઈને લોકોને ખુબ જ હાલાકી પડી રહી છે.

આ સમસ્યાને લઈને સ્થાનિકો તેમજ મેં અધિકારીઓને રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યા હલ થતી નથી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારા વિસ્તારના લોકોના ઘરના રસોડા સુધી કેમિકલ યુક્ત પાણી પહોચી ગયું છે, આ અંગે કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ સમસ્યા હલ થઇ નથી, આજે ફરી વખત રોડ પર કેમિકલ યુક્ત પાણી પહોચી ગયું છે, ચાલવાનો રસ્તો પણ રહ્યો નથી, ત્યારે આ વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તે સંદતર બંધ થાય તેવી  માગ કરવામાં આવી  છે.

Exclusive News