કચ્છના તમામ તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવતા માહોલમાં શિત લહેર છવાઈ, રાપરમાં ચાર ઇંચ

Contact News Publisher

રાજ્યની સાથે કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાએ હળવાથી ભારે ઝાપટાં વરસાવતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી પડી રહેલા પ્રખર તાપ અને તેજ પવનની ગતિમાં પણ રાહત મળી છે, તો ઊભા પાકમાં જીવતદાન મળી જતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે મંગળવાર વહેલી સવારથી જિલ્લાના ભુજ, માંડવી અને રાપર સહિતના તમામ તાલુકામાં ઝરમરથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સૌથી વધુ આજે રાપરમાં પરોઢથી વહેલી સવાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. મેઘ પધરામણીના પગલે જનજીવન તૃપ્ત થઈ ગયું છે.

છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલી મેઘ કૃપાથી વરસી રહેલા વરસાદના પગલે આજે પણ મેઘ સવારી યથાવત રહેતા જિલ્લાના દસે તાલુકામાં સવારના છ વાગ્યા સુધીમાં અંજારમાં 1, અબડાસા 0.76, ગાંધીધામ 0.92, નખત્રાણા 0.56, ભચાઉ 0.32 ભુજ 1.92, મુન્દ્રા 0.64, માંડવી 0.68, રાપર 4.8 અને લખપત 0.76 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન જિલ્લાનું આકાશ ગોરંભાયેલું રહેતા હજુ વધુ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદ બાદ જ્યુબિલિ સર્કલ, ભાનુશાલી નાગર સહિતના વિસ્તારના માર્ગો પર પાણી ભરાઈ જતાં લોકોને પસાર થવામાં હાલાકી ઉભી થઇ હતી.