ભુજના ચપરેડી ગામે એકજ પરિવારના 17 લોકોને ખોરાકી ઝેરની અસર, તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા

Contact News Publisher

વર્તમાન સમયના વરસાદી વાતવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વિશેષ રહેતું હોવાથી હવામાં બેકટેરિયાનો ફેલાવો વ્યાપક પ્રમાણમાં રહેતો હોય છે. ક્યાંક ક્યાંક લોકોમાં બીમારી કારણ પણ બનતા હોય છે, તો મચ્છરજન્ય બીમારીનું પ્રમાણ પણ વિશેષ નોંધાઈ રહ્યું છે. ત્યારે હાલના સમયમાં લોકોએ શારીરિક સાવચેતી રાખવી અનિવાર્ય બની જતી હોય છે. ભુજના ચપરેડી ગામે ઘરે બનાવેલી છાસ આરોગ્યા બાદ એકજ પરિવાર 17 સભ્યો ખોરાકી ઝેરની અસર તળે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પૈકી એક પુરુષ સભ્યની હાલત નાજુક બનતા શહેરની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ભુજની જી કે જનરલ સરકારી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા ભોગ બનનાર પરિવારના સ્વજન પાસેથી મળેલી વિગતો મુજબ ગઈકાલ રાત્રે એકજ પરીવારના 5 પુરુષો, 8 મહિલાઓ અને 4 બાળકોએ રાત્રિ ભોજન આરોગ્ય બાદ તમામની તબિયત લથડી હતી. સંભવિત ઘરે બનાવેલી છાસ આરોગ્યા બાદ તેઓની તબિયત ખરાબ બની હોવાની આશંકા છે. દરમિયાન ફૂડ પોઇઝનિંગની અસર તળે સમગ્ર પરિવારને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેમની સારવાર હાલ ચાલી રહી છે. આ પૈકી પરિવારના પુરુષ સભ્યની હાલત વધુ કથળતા શહેરની લેવા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાલ સારવાર હેઠળ દાખલ છે.