ભાજપને 156 બેઠકો અપાવનાર સુપર 16 ક્યાં? સત્તાની સાઠમારીમાં એકબીજાના પગ કાપ્યા

Contact News Publisher

થ્રી ઈડિયટનું એક ગીત છે કે કહા ગયૈ ઉસે ઢૂંઢો… ગુજરાત ભાજપમાં સત્તાની સાઠમારીમાં 2022ની ચૂંટણીના હીરો આજે ખોવાઈ ગયા છે. 156 નો નવો રેકોર્ડ બનાવી દેશભરમાં ગુજરાતનું નામ રોશન કરનાર સુપર 16 હિરો આજે ગુમનામ છે અથવા સત્તાથી સાઈડલાઈન થઈ ગયા છે. ભાજપમાં ગરજ પૂરી એટલે તું મારો વેરીની જેમ નેતાઓ ધીરેધીરે વધેરાઈ રહ્યાં છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાનો સૂરજ સોળે કળાએ ખીલી રહ્યો છે. એવા ટાણે અનેક નેતાઓનો ભોગ લેવાયો છે અને હવે કોણ લાઈનમાં છે એ સૌ જાણે છે. લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે પણ આ ચૂંટણીમાં ભાજપને ક્લિનસ્વિપથી રોકવા માટે સામે તમામ પક્ષોએ તલવારો ખેંચી લીધી છે. એકબીજાને પાડવાની નીતિમાં ભાજપને 156 બેઠકો અપાવનાર સુપર 16 ક્યાં એ સૌથી મોટો સવાલ છે.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલાં દિલ્હી હાઈકમાને પાટીલની આગેવાની હેઠળ ભાજપને ગુજરાતમાં ફરી સત્તાના સિંહાસને બેસાડવા માટે સુપર 16ની ટીમ રચાઈ હતી. આ ટીમમાં પહેલાં 12 લોકોની ટીમ હતી.  જેમાં 4 નેતાઓનો આખરી તબક્કે સમાવેશ થયો હતો. સુપર 16 સભ્યોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, મહામંત્રી રજની પટેલ, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મહામંત્રી પ્રદીપ વાઘેલા, મહામંત્રી વિનોદ ચાવડા, પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પુર્વ મંત્રી ગણપત વસાવા, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ, પૂર્વ કૃષિ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ તથા પૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ તથા ઉપપ્રમુખ ભરત બોઘરા હતા. આ તમામ નેતાઓના ખભે ગુજરાત ભાજપને ફરી 2022માં સત્તા સોંપવાની જવાબદારીઓ હતી. આ નેતાઓ ગુજરાત ભાજપના આ સમયે મુખ્ય ચહેરાઓ હતા. એક જ વર્ષમાં એવું તો શું થયું કે 2022ની ટીમ વિખેરાઈ ગઈ છે.

સુપર 16માંથી આજે આંગળીના વેઢે ગણાય એવા નેતાઓ જ પક્ષમાં હોદ્દા પર છે. બાકીનાને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા છે. ધીરે ધીરે એક પછી એકના પત્તા કાપવામાં આવ્યા હતા. જેમાં છેલ્લી વિકેટ પ્રદિપસિંહ વાઘેલાની વિકેટ પડી છે.  હાલમાં એક સુપર પાવર ધરાવતા મંત્રી છેલ્લા 6 મહિનાથી જૂથનાદનો સામનો કરી રહ્યાં છે. ભાજપમાં આંતરિક કકળાટ એટલો છે કે 6 મહિના પહેલાં જ ભાર્ગવ ભટ્ટને વિદાય આપવામાં આવી હતી.

એક સમયે ભાજપના પ્રવક્તા અને રાજ્યના શિક્ષણમંત્રી અને સંકટમોચક એવા જીતુ વાઘાણી હાલમાં ખેતરોમાં ખેતી કરતા ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યાં છે. પાટીદાર સમાજના કદાવર નિતીન પટેલ ખોવાઈ ગયા છે. ભાજપે રાજસ્થાનના સહપ્રભારી બનાવી જવાબદારી સોંપી છે પણ સૌ જાણે છે કે આ નેતા લોકસભા પહેલાં નારાજ ન થાય એટલે બીજા રાજ્યમાં મોકલી દેવાયા છે.  હાલમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પ્રધાન બનવું હતું, અમૂલના ચેરમેન બનવું હતું પણ તેઓને અધ્યક્ષ બનાવાયા છે. ગણપત વસાવાનું નામ પત્રિકા કાંડમાં છે હવે તો એમની રાજકીય કારકીર્દી ડૂબી રહી છે. રણછોડ ફળદુને હવે લોકો ભૂલી ગયા છે અને એ હવે જામનગરમાં સ્થાયી થઈ ગયા છે એજ સ્થિતિ ભુપેન્દ્ર ચૂડાસમાની છે. આ લોકોની હવે પક્ષમાં કોઈ કિંમત નથી. વિજય રૂપાણીની શું સ્થિતિ છે એ સૌ કોઈ જાણે છે.

1 thought on “ભાજપને 156 બેઠકો અપાવનાર સુપર 16 ક્યાં? સત્તાની સાઠમારીમાં એકબીજાના પગ કાપ્યા

  1. Pingback: relaxing music

Comments are closed.