વાગડના સુપ્રસિદ્ધ રામદેવપીરના મેળામાં રાત્રિએ જનસાગર ઉમટ્યો

Contact News Publisher

ભચાઉ સામખિયાળી વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા વોંધ રેલવે સ્ટેશન સામે છેલ્લા 375 વર્ષથી યોજાતા વાગડના સૌથી મોટા એવા રામદેવપીર બાબાના સુપ્રસિદ્ધ મેળાનો ગઈકાલથી પ્રારંભ થયા બાદ ગત રાત્રે વિજપાસર ગામથી આવેલો નેજો ચડાવ્યા બાદ રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિધિવત રીતે પ્રારંભ કરાવાયો હતો. રાત્રિના સમયે રોશનીથી જળહળી ઉઠેલા મંદિર સંકુલ અને મનોરંજનની અવનવી પ્રવુતિઓ , ખાણીપીણી અને ખરીદ બજારમાં પથરાયેલા પ્રકાશથી રાત્રિએ જ જાણે દિવસ ઊગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. અંદાજીત એકથી દોઢ લાખ જેટલી જનમેદનીના કારણે જનસાગર ઉમટી પડ્યો હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું.

ભચાઉ તાલુકાના વીજપાસર-છાડવાડા અને સામખિયાળીના ત્રિભેટે આવેલા રામદેવપીર મંદિરે વાગડના સૌથી મોટા મેળા તરીકે જેની ગણના થાય છે એવા મેળાના પ્રારંભે મેળા સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કળશધારી કન્યાઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જ્યાં દીપ પ્રાગટ્યથી ધારાસભ્યના હસ્તે રિબિન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. આ વેળાએ ઢોલ-નગારાં સાથે રામાપીરની જય જયના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વાગડમાં પડેલા સારા વરસાદના કારણે મેળામા ઐતિહાસિક જનસમૂહ જોવા મળ્યો હતો. ભાવિકોએ મંદિર ખાતે બાબાની મૂર્તિના દર્શન બાદ મેળો મહાળવાની મોજ માણી હતી. સ્થાનિક સાથે પૂર્વ કચ્છના ભચાઉ, રાપર , ગાંધીધામ અને અંજાર સહિતના તાલુકામાંથી તેમજ ખાસ મુંબઈગરાઓ માદરે વતન આવી મેળાની રંગત માણતા જોવા મળ્યા હતા. વાગડ વિસ્તારના ગ્રામીણ લોકો પણ સહ પરિવાર પ્રાદેશિક વસ્ત્ર પરિધાન સાથે ભાતીગળ સંસ્કૃતિના સહભાગી થયા હતાં. રાજ્ય સરકાર દ્વારા મેળામાં આરોગ્ય, શિક્ષણ, સલામતી સહિતની જાણકારી માટેની સુવિધા ઊભી કરાઇ છે.
મેળામાં ભચાઉ નાયબ પોલીસવડા સાગર સામળા અને પી.આઇ. ખાંભલાની ટીમ, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ, મહિલા કર્મચારીઓ સહિત કુલ 200 થી વધુ સુરક્ષા કર્મીઓ કાયદો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 14 જેટલા સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. બંને માર્ગ પર પગે ચાલીને સંઘ વ્યક્તિગત રીતે ચાલતા જઇ રહ્યા છે. વિશાળ સંકુલમાં રમકડાં બજાર, ફળ-ફુલ, ઠંડા-પીણાં, ગોલા, નાસ્તા, મનોરંજનના વિભાગોમાં મોટી ભીડ છે. મુંબઇના વાગડવાસીઓ મોટી સંખ્યામાં આવતાં મેળો રાત્રિથી મેળા સમિતિના મનસુખલાલ ઠક્કર, નરસંગજી વાઘેલા, ભોજા રણછોડ, જાલમસંગ જાડેજા, મેઘુભા અજિતસિંહ, મહેન્દ્રસિંહ ધીરૂભા, હરિસિંહ ડી. જાડેજા (ભચાઉ) વગેરેએ સહયોગ આપી રહ્યા છે.