દુષ્કર્મના પ્રયાસ બાદ પરિણીતાના આપઘાત કેસમાં ગુનેગારને 10 વર્ષની સખત કેદ

Contact News Publisher
ચાર વર્ષ અગાઉ પરણિતા પર દુષ્કર્મની કોશિશ કરી આપઘાત કરવા દુષ્પ્રેરણાના બનાવ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને દસ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.૧૧,૦૦૦ નો દંડ નો હુકમ કર્યો છે.

અર્જુનસિંહ ભીમસિંહ માધવસિંહ ચાવડા ( ઉ.વ.૨૭, ૨હે.જેસાપુરા, ગોલવાડા ચોકડી, તા. ઠાસરા)એ  તા.૨૫  ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ પરિણીતાની આબરૂ લેવા પ્રયાસ કરતા તેઓને પરિણીતાનો પતિ જોઈ ગયો હતો. ત્યા૨બાદ તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આરોપીએ પરિણીતાના ઘરે જઈ કેરોસીનનું ડબલું આપી જણાવેલું કે, તને તારો પતિ જોઈ ગયો છે તું કેરોસીન છાંટી સળગી જા, જેથી પરિણીતા કેરોસીન છાંટી સળગી જતાં ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. આ અંગે ફરિયાદીએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ નડિયાદના પ્રિન્સીપાલ સેસન્સ જજ એ.આઈ.રાવલની કોર્ટમાં  ચાલી જતા મદદનીશ સરકારી વકીલ આર.જી.બ્રહ્મભટ્ટની દલીલોને તેમજ કુલ ૧૩ સાહેદોના પુરાવા અને લગભગ ૬૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ વિગે૨ે ઘ્યાને લઈ ન્યાયાધીશે આરોપીને સજાનો હુકમ કરેલ છે. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪(૧)(આઈ) મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલો છે. જ્યારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ મુજબના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી દશ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.