ગાંધીધામ પોલીસે 800 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા

Contact News Publisher

ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે. અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે આજે કચ્છના ગાંધીધામમાંથી ગુજરાત પોલીસે 80 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગાંધીધામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ કરોડોની કિંમતના ડ્રગ્સ કેસમાં રાજ્ય ગૃહમંત્રીએ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. તેમજ વધુમાં કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર છે.

ગાંધીધામ પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન પાર પાડી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જે બદલ રાજ્ય ગૃહ મંત્રીએ ગાંધીધામ પોલીસની આ કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. સુરત ખાતે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડ્રગ્સની બદીને ડામવામાં ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર રહી છે.

ભુપેન્દ્ર પટેલની સરકારમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડ્રગ્સની બદી સામે હલ્લાબોલ બોલાવવામાં આવ્યો છે. આજે ગાંધીધામ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. પોલીસે ઝડપી પાડેલા ૮૦ કિલો કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૮૦૦ કરોડ જેટલી આપવામાં આવી રહી છે. એફ.એસ.એલની તપાસ અને રિપોર્ટના આધારે આ જથ્થો કોકેઈન હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત પોલીસે કડકાઇ પૂર્વક ડ્રગ્સ સામેની લડાઈમાં કડક કાર્યવાહી કરી છે. જે બદલ ગુજરાત પોલીસને હું અભિનંદન પાઠવું છું.

ગાંધીધામ પોલીસના એસ.પી. રેન્જ આઇ.જી સહિત એટીએસ અને ગુજરાત પોલીસના ડીજીપીને મેં જાતે ટેલિફોનિક અભિનંદન પાઠવ્યા છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ સમગ્ર પોલીસ ટીમને કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતના અમદાવાદ પોરબંદર સુરત સહિત અનેક જિલ્લાઓમાં ડ્રગ્સ સામેના કેસોમાં ગુજરાત પોલીસે મોટી સફળતા મેળવી છે. આજે દુંદાળા દેવના વિસર્જન સમયે ગુજરાત પોલીસ પર વિઘ્નહર્તાના આશીર્વાદ બની રહે તેવી ભગવાન શ્રી ગણેશના ચરણોમાં હું નતમસ્તક કરી પ્રાર્થના કરું છું.