અમરોલી તાપી નદીના પાળા ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોબાઇલ-નવા કપડાની લૂંટ આચરી

Contact News Publisher

અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત રોયલ રેસીડન્સીમાં રહેતો રત્નકલાકાર અરવિંદ ઉર્ફે અંકિત લાભુભાઇ ભીકડીયા (ઉ.વ. 30 મૂળ રહે. કેરીયા તા. ઉમરાળા, જી. ભાવનગર) અને તેનો મોટો ભાઇ રાકેશ (ઉ.વ. 32) શુક્રવારે રાતે સાડા નવ વાગ્યાના અરસામાં કપડાની ખરીદી કરી બાઇક ઉપર ઘરે જઇ રહ્યા હતા. જે અંતર્ગત અમરોલી પુલ નજીક તાપી નદીના પાળા પાસેથી ઘરે જવાનો શોર્ટકટ હોવાથી પાળા વાળા રોડ પરથી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યાએ બાઇક અટકાવી આપકે પાસ જો હે વો દેદો એમ કહી ઝપાઝપી કરી હતી. ત્રણ પૈકી બે યુવાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અરવિંદના માથા અને પીઠના ભાગે ઇજા પહોંચાડી મોબાઇલ લૂંટી લીધો હતો. જયારે રાકેશે પ્રતિકાર કરતા તેના મોંઢા ઉપર પણ ઇજા પહોંચાડી મોબાઇલ લૂંટી લીધો હતો. જેથી સ્વબચાવમાં બંને ભાઇઓ બાઇક અને ખરીદેલા કપડા ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા અને નજીકમાં દેવનારાયણ આશ્રમ પાસે ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો. તેમાં હાજર અજાણ્યાએ માનવીય અભિગમ દાખવી તુરંત જ સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ઘટના અંગે અરવિંદે અમરોલી પોલીસમાં બે મોબાઇલ ફોન અને ખરીદેલા કપડા મળી કુલ રૂ. 55,200 ની લૂંટની ફરીયાદ નોંધાવી હતી.