ફાફડા-જલેબી ખરીદવા જાવ તો ખીસ્સું ભારે રાખજો, આજે પ્રતિ કિલોએ 900થી લઇને 1400 રૂપિયા સુધીનો છે ભાવ

Contact News Publisher

નવલાં નોરતાં પૂરા થયા બાદ દશેરાની વહેલી સવાર દરેક ગુજરાતીઓ માટે ખૂબ ખાસ હોય છે. આજે દશેરાની જાહેર રજા એવામાં ઓફિસ પર જવાની ઝંઝટ કે બાળકોને શાળાએ લેવા-મુકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને ગુજરાતીઓ મન મૂકીને ફાફડા-જલેબી આરોગશે. પણ આ ફાફડા અને જલેબીનો સ્વાદ અમદાવાદવાસીઓ મોંઘો પડી રહેવાનો છે.

આજે વિજયાદશમી પર્વ પર આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદવાસીઓ આરોગી જાય છે, પણ આ વખતે ખાદ્ય તેલ, બેસનના ભાવ સહિત વિવિધ કારણોના લીધે ભાવ આસમાને પંહોચ્યાં છે. હા, એવું પણ કહી શકાય કે આજે ડ્રાયફ્રુટ કરતા પણ ફાફડા જલેબી મોંઘા થઈ ગયા છે.

આજના દિવસે અમદાવાદમાં 1 હજારથી વધુ દુકાનો-સ્ટોલમાં ફાફડા-જલેબીનું વેચાણ થઈ રહ્યું છે. એવામાં જો તમે પણ આજે ફાફડા-જલેબી ખાવાનું વિચારી રહ્યા છો તો બજારમાં ખરીદવા જાવ એ સમયે ખીસ્સું ભરેલ રાખજો. કારણ કે લગભગ દરેક દુકાનો કે સ્ટોલમાં ફાફડા-જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 900થી લઇને 1400 રૂપિયા સુધી પંહોચી ગયો છે.

હવે જો આપણે ફાફડાના ભાવની વાત કરીએ પ્રતિ કિલોએ 900 રૂપિયા સુધી ભાવ પંહોચ્યો છે અને શુદ્ધ ઘીની જલેબીના ભાવ 1400 રૂપિયાથી પણ વધુ છે. એમ છતાં અમદાવાદના લોકો દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત વેપારીઓનું માનવું છે કે આજના દિવસે માત્ર અમદાવાદમાં જ 7 થી 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે.

Exclusive News