હિંમતનગર ચિલોડા હાઇવે પર છાલા પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વૃધ્ધાનું મોત

Contact News Publisher

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે શહેર નજીક હિંમતનગર ચિલોડા હાઇવે ઉપર છાલા પાસે આજે સવારના સમયે રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધાને કારચાલક અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ આ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું જે અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધ્યા છે અને તેમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓએ માથું ઉંચક્યું છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વૃધ્ધાનું મોત નિપજ્યું છે. જે અનવયે છાલા ગામમાં રહેતા ગીતાબેન ગોપાલભાઇ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, માધવગઢ ગામે રહેતા તેમના મામી ગનીબેન રામજીભાઇ ચૌધરી આજે સવારના સમયે તેમના દાદીના ખબર લેવા માટે આવ્યા હતા અને ઘરે ચા-નાસ્તો કરીને પરત માધવગઢ જવા નિકળ્યા હતા તે વખતે તેમના ઘરેથી રસ્તો ઓળંગી રહ્યા હતા તે સમયે હિંમતનગર તરફથી પુર ઝડપે આવી રહેલી કારે ગનીબેનને અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને એમ્બ્યુલન્સમાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે ફરાર થઇ ગયેલા કારચાલક સામે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓ ચિંતાજનક છે ત્યારે તેને અટકાવવા માટે પોલીસે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવું જરૃરી બન્યું છે.

Exclusive News