૧.૫૦ લાખની લાંચ અને દિવાળીની ગિફ્ટોના કેસમાં ટીડીઓના પીએ યોગેશ પરમારના ઘેર એસીબીએ હાથ ધરેલી સર્ચ

Contact News Publisher

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ શાખાના ટીડીઓના પીએ રૃા.૧.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયા બાદ એસીબી દ્વારા પીએ યોગેશ પરમારના ઘેર સર્ચ કરવામાં આવી હતી .

ઉલ્લેખનીય છે કે કિશનવાડીરોડ પર સાંઇડ્રીમ એપાર્ટમેન્ટ નામની બાંધકામ સ્કીમને સીલ કરી કાર્યવાહી કરવા માટે કોર્પોરેશનના ટીડીઓ જીતેશ ત્રિવેદીએ રૃા.૨ લાખનું પેકેજ માંગ્યું હતું અને છેલ્લે રૃા.૧.૫૦ લાખ નક્કી થયા હતાં. લાંચની રકમ તેમજ દિવાળી નિમિત્તે ડ્રાયફ્રૂટ, મેકઅપ બોક્સ, પરફ્યૂમ, મીઠાઇના બોક્સો સહિતની વસ્તુઓ તેમના પીએ યોગેશ પરમારને આપવાની સૂચના આપતા વકીલની ફરિયાદના આધારે એસીબી દ્વારા વકીલની ઓફિસે દિવાળીના દિવસે ગોઠવેલી ટ્રેપમાં ટીડીઓના પીએ રૃા.૧.૫૦ લાખની રોકડ અને દિવાળીની ગિફ્ટો સાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

એસીબી દ્વારા આ અંગે યોગેશ પરમાર સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયા બાદ એસીબીની એક ટીમ દ્વારા યોગેશ પરમારના બાપોદ-વાઘોડિયારોડ પર દ્વારકાનગરી ખાતે એક બેડરૃમ, હોલ અને કિચનના મકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં કુલ રૃા.૩.૨૦ લાખની અસ્કયામતો મળી હતી. પોલીસે યોગેશ પરમારની અટકાયત બાદ આજે  પૂછપરછ હાથ ધરી છે.

એસીબીએ જણાવ્યું હતું કે ફરિયાદમાં જેના પર આક્ષેપો કરવામાં આવ્યા છે તે ટીડીઓ જીતેશ ત્રિવેદી, ડે.ટીડીઓ અને બાંધકામશાખામાં ફરજ બજાવતા ક્લાર્કોની પણ પૂછપરછ કરવામાં આવશે. યોગેશ પરમારના કોરોના ટેસ્ટ બાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવશે અને બાદમાં રિમાન્ડ માટે રજૂ કરાશે તેમ જાણવા મળ્યું છે.