સુખદેવ સિંહ ગોગામેડી મર્ડર કેસમાં લેડી ડોનની એન્ટ્રી: ખૂંખાર પૂજા સૈનીની ધરપકડ, જાણો કઈ રીતે શૂટર્સની કરી હતી મદદ

Contact News Publisher

રાજસ્થાનમાં બહુચર્ચિત સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં એક લેડી ડોનની એન્ટ્રી થઈ છે. જયપુર પોલીસે ગોગામેડી હત્યા કેસના આરોપમાં પૂજા સૈનીની ધરપકડ કરી છે. પૂજા સૈની મૂળ કોટાની છે અને તેના પતિ મહેન્દ્ર કુમાર મેઘવાલ ઉર્ફે સમીર કોટાના હિસ્ટ્રીશીટર છે. તેની સામે મારપીટ, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના અનેક કેસ નોંધાયેલા છે.
નીતિન ફૌજી તેમના ફ્લેટમાં 7 દિવસ રોકાયો હતો
હવે વાત એમ છે કે છેલ્લા દોઢ વર્ષથી પૂજા અને મહેન્દ્ર જયપુરના જગતપુરામાં એક ફ્લેટમાં ભાડેથી રહેતા હતા. એડિશનલ પોલીસ કમિશનર કૈલાશ બિશ્નોઈએ કહ્યું કે પૂજા સૈની જયપુરમાં પૂજા બત્રાના નામથી રહેતી હતી. સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસનો મુખ્ય આરોપી શૂટર નીતિન 28 નવેમ્બરે દિલ્હીથી જયપુર આવ્યો હતો. જયપુરમાં આવ્યા બાદ સૌથી પહેલા મહેન્દ્ર મેઘવાલ ઉર્ફે સમીર અને તેની પત્ની પૂજા સૈનીએ નીતિનને પોતાની કારમાં બેસાડ્યો અને તેને પોતાના ફ્લેટમાં લઈ ગયો. નીતિન ફૌજી પૂજા સૈનીના ફ્લેટમાં 7 દિવસ રોકાયો હતો. સાથે જ એમ પણ ખુલાસો થયો છે કે પૂજા અને મહેન્દ્ર મેઘવાલે જ નીતિન ફૌજીને હથિયાર પૂરા પાડ્યા હતા.
શૂટર્સેને પિસ્તોલ અને નોટોના બંડલ આપવામાં આવ્યા હતા
28 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી નીતિન ફૌજી મહેન્દ્ર અને પૂજા સાથે ફ્લેટમાં રહ્યો હતો. આ સાથે જ એ પણ મહત્વની વાત છે કે મહેન્દ્ર લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે. સાથે જ તે રોહિત ગોદારા અને વિરેન્દ્ર ચરણ સાથે સીધો સંપર્કમાં હતો. 7 દિવસ સાથે ફ્લેટમાં રહેતા સમયે મહેન્દ્રએ નીતિન ફૌજીને મોબાઈલ દ્વારા રોહિત ગોદારા અને વિરેન્દ્ર ચરણ સાથે અનેકવાર વાત કરાવી હતી. 5મી ડિસેમ્બરે સવારે મહેન્દ્ર અને પૂજાએ નીતિન ફૌજીને બે પિસ્તોલ અને બે મેગેઝીન આપ્યા હતા. આ સાથે 50 હજાર રૂપિયાનું બંડલ પણ આપવામાં આવ્યું હતું. 5 ડિસેમ્બરે એટલે કે હત્યાના દિવસે, મહેન્દ્ર નીતિન ફૌજીને તેની કારમાં DCM લઈ ગયો જ્યાં રોહિત રાઠોડ પહેલેથી જ ઊભો હતો. રોહિત રાઠોડને કારમાં બેસાડ્યા બાદ મહેન્દ્ર મેઘવાલે તેને પિસ્તોલ અને મેગેઝિન આપી હતી સાથે જ તેને રૂ.50 હજારનું બંડલ આપ્યું હતું.