31stમાં દારૂ અને રેવ પાર્ટી કરતાં પહેલા 100 વખત વિચારજો, પોલીસ સિવાય જાસૂસનો પણ પહેરો, સંતાનો માટે માં-બાપની દોડધામ

Contact News Publisher

31 ડિસેમ્બરની ઉજવણી કરીને 2024ના નવા વર્ષના આગમનની જોરશોરથી તૈયારીઓ યુવાપેઢીઓ કરી રહી છે. પરંતુ આ સેલિબ્રેશન વચ્ચે માતા-પિતાની ચિંતા વધી છે. કારણ કે તેમને ચિંતા કે છે તેમના સંતાનો ડ્રગ્સના રવાડે તો નથી ચડતાંને..? બાળકોને કોઈ ખોટી સંગતમાં તો નથી.. ? તેમને એ પણ નથી ખબર કે બાળકો કયા મિત્રો સાથે સેલિબ્રેશન કરી રહ્યાં છે. આ ડર અને બાળકોની સુરક્ષા માટે તેઓ જાસુસના શરણે થઈ રહ્યાં છે. માહિતી અનુસાર આશરે 40 %થી વધુ માતા-પિતાએ બાળકો પર નજર રાખવા ડિટેકટીવને રોક્યા છે. નવરાત્રી બાદ હવે 31 ડીસેમ્બરની ઉજવણીમાં પણ જાસુસો નજર રાખશે.
પોલીસની સાથે જાસુસની પણ નજર
31 ડિસેમ્બરનાં ડ્રગ્સની રેવ પાર્ટી અને દારૂની મહેફીલમાં પોલીસની નજર રહેશે. આ સિવાય માતા પિતાઓએ પણ પોતાના બાળકો પર નજર રાખવા માટે ખાસ જાસુસને રોક્યાં છે. અમદાવાદમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવા પેઢીમાં ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. જયારે યુવતીઓ સોશિયલ મિડીયાનાં કારણે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરીને શારીરીક શોષણનો પણ ભોગ બની રહી છે. જેથી પોતાનાં દિકરો અને દિકરીની સલામતી માટે હવે માતા-પિતાની ચિંતા વધી છે. જેથી તેમણે અમદાવાદનાં ડિટેકટીવને બાળકો પર નજર રાખવાનું કામ સોપ્યું છે. જે બાળકોની સલામતીની સાથે તેમના મિત્રો પર પણ નજર રાખશે.
પોલીસે એકશન પ્લાન બનાવ્યો
માહિતી અનુસાર 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસે એકશન પ્લાન બનાવ્યો છે સાથે જાસુસોની ટીમ પણ સક્રીય થઈ છે. જે પોલીસની જેમ નાગરીકોની સુરક્ષાને લઈને નજર રાખશે અને પોલીસને મદદ કરશે.
ડિટેક્ટિવ શિવ શાહે જણાવ્યું કે, છેલ્લાં 5 વર્ષથી આ પ્રકારનાં કેસ વધ્યાં છે. વાલીઓ અમને 31stનાં એક અઠવાડિયાં પહેલા હાયર કરે છે. તેમનો એક જ હેતુ હોય છે કે મારો બાળક કોઈ ડ્રગ્સનાં ચક્કરમાં ન પડી જાય તેથી તેઓ બાળકોનાં મિત્રો અને પાર્ટીને લઈને જાણકારી મેળવવા ઈચ્છે છે.