જિયો કંપનીના મોબાઈલ ટાવરોમાંથી કિંમતી 5G કાર્ડ ગાયબ, ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલ્યો

Contact News Publisher

શહેર સહિત જિલ્લામાં લાગેલ જિયો કંપનીના મોબાઈલ ટાવરોમાંથી કિંમતી 5G BBU કાર્ડ અને SFP સહિતના સામાનની ચોરી કરતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. છેલ્લા ઘણા સમયથી આ ગેંગનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો ત્યારે સુરત સહિત જિલ્લામાં ચાલતા ચોરીના આ આખા નેટવર્ક અને ચેઈનને ઝડપી પાડી પોલીસ ચોપડે નોંધાયેલા 5 ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં એક ભંગારનો વેપારી છે કે, જે 5G BBU કાર્ડ અને SFPની આરોપીઓ પાસેથી સસ્તામાં ખરીદી કરતો હતો. જે BBU કાર્ડ અને SFPની કિંમત લાખોમાં થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં ત્રણ શખ્સો જિયો કંપનીના પૂર્વ ટેક્નિશિયન છે, જ્યારે અન્ય એક રીડરનો સમાવેશ થાય છે. આ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 14.69 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે છટકું ગોઠવી આરોપીઓને ઝડપ્યા
સુરત સહિત જિલ્લામાં આવેલા જીયો કંપનીના મોબાઈલ ટાવરોમાંથી ઘણા દિવસોથી 5G BBU કાર્ડ અને SFP જેવા કિંમતી સામાનની ચોરીની ફરિયાદ ઉઠી હતી. જે મામલે શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઇ હતી. શહેર પોલીસ ચોપડે નોંધાયેલા આ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ભારે કમરકસી હતી. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે, જીયો કંપનીના મોબાઈલ ટાવરોમાંથી 5G BBU કાર્ડ, SFP જેવા કિંમતી સામાનની ચોરી કરતા ત્રણ જેટલા ઈસમો ચોક બજાર ખાતે આવેલા ડક્કા ઓવારાના તાપી નદીના કિનારે ભેગા થવાના છે. જે વિસામણ પાસેથી ચોરીનો સામાન ખરીદવા માટે ભંગારનો વેપારી પણ આવવાનો છે. જે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પહેલાથી અહીં વોચ ગોઠવી હતી ત્યારે અહીં આવી ચઢેલા તમામ આરોપીઓને પોલીસે ચોરીના સામાન સાથે ઝડપી પાડ્યા હતા.

14.69 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 4 , 5G BBU રાઉટર, 15 નંગ BBU રાઉટરમાં લગાવેલ SFP, ચોરી કરવા ઉપયોગમાં લેવામાં આવેલ 2 ડિસમિસ, 3 ચાવી, 2 મોપેડ, 4 મોબાઈલ સાથે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુ ગ્યા પ્રસાદ વર્મા, પંકજ ચંદ્રપાલ સિંહ ભદોરીયા, રાધા મોહન ઉર્ફે મોહન સત્યભાન વર્મા અને ભંગારના વેપારી મોહમ્મદ અનસ ઇકરામ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. આ વચ્ચે અનેક માહિતીના આધારે સુરતના નાનપુરા ખાતે આવેલી કાદરસાની નાળ પાસેથી આરોપી રવિ દશરથ ઇંગળે પણ ચોરીના 1 નંગ 5G બીબીયુ કાર્ડ, 7 નંગ BBU રાઉટરમાં લગાવેલ SFP સાથે ઝડપી પાડ્યો હતો. આમ, પાંચેય આરોપીઓ પાસેથી કુલ 14.69 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

5 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની કરાયેલી પ્રાથમિક પૂછપરછમાં શહેર સહિત ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા 5 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા. જેમાં સુરતના અમરોલી, ઉમરા, અને પુણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કોસંબા તેમજ કિમ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં જાણવા મળ્યું હતું કે જિયો કંપનીના મોબાઈલ ટાવરમાં નેટવર્કની સ્પીડ વધારવા માટે 5G BBU કાર્ડ અને SFP લગાડવામાં આવે છે. જેના થકી નેટવર્કની સ્પીડમાં વધારો થાય છે. આ BBU કાર્ડ અને SFPની કિંમત અંદાજિત 3 લાખ રૂપિયા સુધીની હોય છે. જે કિંમતી BBU કાર્ડ અને SFPની આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવતી હતી.

Exclusive News