AMC કમિ.નો આદેશ ઘોળીને પી ગયા:જગતપુરમાં સ્વર્ણિમ બિઝનેસ હબ-1માં ગેરકાયદે બાંધકામ કરી કમાણી શરૂ કરી, એસ્ટેટ વિભાગે ટેબલ-ખુરશીઓ જ જપ્ત કર્યા

Contact News Publisher

અમદાવાદમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને અવારનવાર સૂચના આપવામાં આવે છે. છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી. શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સ્વર્ણિમ બિઝનેસ હબ- 1 નામના કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામો અંગેની ફરિયાદ કોમ્પ્લેક્સના કેટલાક વેપારીઓ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને કરવામાં આવી છે. છતાં પણ કોમ્પ્લેક્સમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવતું નથી. માત્ર ટેબલ ખુરશી જપ્ત કરી નામની કાર્યવાહી કરવામાં આવે છે.

કોમ્પલેક્સમાં કેટલું ગેરકાયદેસર બાંધકામ છે?
ગોદરેજ ગાર્ડન સિટીથી ત્રાગડ રોડ ઉપર પર આવેલા સ્વર્ણિમ હબ-1 કોમ્પ્લેક્સમાં આવેલી કેટલીક દુકાન અને રેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધું છે. પાર્કિંગની જગ્યામાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને ત્યાં ખાણીપીણી ચલાવવામાં આવે છે. આ બાબતની ફરિયાદ ખુદ કોમ્પ્લેક્સના કેટલાક લોકો દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈ ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગમાં કરવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં જ ઓફિસ ધરાવતા નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સનો જે પેસેજ આવેલો છે તે આખો કવર કરી લેવામાં આવ્યો છે.

ગેરકાયદેસર ખાણીપીણીની બજાર ઊભી કરી
કોમ્પ્લેક્સમાં પાર્કિંગથી લઈ અને અવરજવરમાં અનેક મુશ્કેલીઓ પડે છે. પાર્કિંગ કરવા માટેની જે કોમન જગ્યા છે. તેમાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત પાર્કિંગ તરફની એક જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને સીડી પણ ઉભી કરી દેવામાં આવી છે. ખાણીપીણીની બજાર ઊભી કરી દેવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં પ્લાન પાસ કરી જે રીતે યોગ્ય બાંધકામ હોવું જોઈએ તેની જગ્યાએ દુકાન અને ઓફિસોના માલિકો દ્વારા વધારાનું અલગ રીતે બાંધકામ ઉભું કરી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં આમને ફરિયાદ કરવામાં આવી તો ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાં મૂકવામાં આવેલી માત્ર ટેબલ-ખુરશીઓ જપ્ત કરી નામની કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.