ખેડૂતોનું આ દુખ નહીં જોઈ શકો, સક્કરટેટીના પાકનો સોથ વળી ગયો, બટાટાના ઢગલાની જુઓ કેવી દશા ફેરવી

Contact News Publisher

માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. ડીસા પંથકમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બટાટા અને સક્કરટેટીના પાકનો સોથ વળી જતા ધરતીપૂત્રોની ચિંતા વધી છે. છેલ્લા ત્રણ દિવસથી પલટાયેલું વાતાવરણ ખેડૂતોનું વેરી બન્યું છે.

કમોસમી વરસાદથી પાકનો સોથ વાળી ગયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ખાબકેલા એક ઈંચ વરસાદે ખેડૂતોના તૈયાર પાકનો સોથ વાળી દીધો છે. ખેડૂતોનો બટાટાનો પાક તૈયાર થઈ ગયો હતો. અને ખેતરમાં બટાટાના ઢગલા કરીને રાખ્યા હતા.પરંતુ કમોસમી વરસાદ વેરી બનીને ત્રાટક્યો.ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના બટાટાના પાકને 20થી 30 ટકા જેટલું નુકસાન થયું છે. ખેડૂતોના બટાટા કોઈ લેવા તૈયાર નથી. જેથી મોંઘાભાવના બિયારણ લાવી કરેલું બટાટાનું વાવેતર માથે પડ્યું છે…એટલું જ નહીં ખેડૂતોના સક્કરટેટીના પાકને પણ મોટું નુકસાન થયું છે.જેને કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

નુકસાનીનું વળતર ચુકવવા માંગ
ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સરકાર પણ એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.જેમાં માવઠાથી થેયલી નુકસાની પર ચર્ચા કરવામાં આવી હતી. માવઠાથી રાજ્યના ચાર જિલ્લામાં નુકસાની થઈ હોવાની પ્રાથમિક વિગતો કેબિનેટમાં રજૂ કરાઈ હતી. જેથી આ ચાર જિલ્લામાં વિસ્તૃત સરવે કરાવવા નિર્દેશ કરાયો છે. જેના આધારે ભવિષ્યમાં સહાય અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે ખેડૂતોની માગ છે કે, વહેલીતકે સરવે કરીને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. ત્યારે હવે ક્યારે સરવે પૂર્ણ થશે અને ક્યારે ખેડૂતોને સહાય ચૂકવાશે તે જોવું રહ્યું.