દિલ્હી દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રીની મુશ્કેલી વધી, EDએ મોકલાવ્યું ફરફરિયું

Contact News Publisher

આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મંત્રીને EDએ સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. નોંધનીય છે કે, કૈલાશ ગેહલોત દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.

1 માર્ચે આ જ કેસમાં તપાસ એજન્સી દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા બાદ EDએ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. EDએ કૈલાશ ગેહલોતને સમન્સ જારી કરીને આજે જ પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવ્યા છે.

નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત તે પેનલનો ભાગ હતા જેણે હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલ કેજરીવાલ હાલમાં 2 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં છે. આ પહેલા દિલ્હીની એક કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા, ત્યારબાદ તેને લંબાવવામાં આવ્યો હતો. આ કેસમાં સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે.