બેબી ફૂડને લઇ Nestle પર ગંભીર આક્ષેપ લાગ્યો, ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો

Contact News Publisher

 Nestle કંપનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, Nestle કંપની ભારત સરકારની તપાસ હેઠળ આવી છે. વિગતો મુજબ સરકારે ભારતમાં વેચાતા બેબી ફૂડમાં કથિત ખાંડ ઉમેરવામાં આવી હોવાના અહેવાલની તપાસ કરવા જણાવ્યું છે. સ્વિસ ઈન્વેસ્ટિગેટિવ ઓર્ગેનાઈઝેશન પબ્લિક આઈના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, નેસ્લે (Nestle) ભારતમાં વેચાઈ રહેલા બેબી ફૂડમાં ખાંડ ઉમેરી રહી છે જેના પછી આ કંપની સરકારના નિશાના પર આવી ગઈ છે.

એક ટોચના સરકારી અધિકારીએ ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, અમે નેસ્લે (Nestle) અંગેના અહેવાલની નોંધ લીધી છે અને મામલાની તપાસ કરીશું. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, સરકાર ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓને અનુસરીને નેસ્લે (Nestle) ના બેબી ફૂડના સેમ્પલની તપાસ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને કહેશે. ઉપરાંત ગ્રાહક બાબતોના વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ના વરિષ્ઠ અધિકારીઓ ટૂંક સમયમાં આ બાબતે ચર્ચા કરશે. નોંધનિય છે કે, અમેરિકા અને યુરોપમાં બેબી ફૂડમાં વધારાની ખાંડ ઉમેરવા પર પ્રતિબંધ છે. જો કોઈપણ કંપની તેમાં ખાંડ ઉમેરે તો ભારે દંડ ફટકારવામાં આવે છે. પરંતુ એશિયન દેશોમાં બેબી ફૂડમાં ખાંડ ઉમેરવા માટે કોઈ દંડ નથી. આવી સ્થિતિમાં નેસ્લે (Nestle) દ્વારા બેબી ફૂડમાં ખાંડ ઉમેરવાના અહેવાલો સામે આવ્યા છે.