નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ મતદારોમાંથી કોઈએ વોટિંગ ન કર્યું

Contact News Publisher

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરીની માંગ માટે દબાણ બનાવવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ શુક્રવારે જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારને પૂર્વીય નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની FNT માટેની માંગ સાથે કોઈ સમસ્યા નથી કારણ કે તેણે પહેલેથી જ આ પ્રદેશ માટે સ્વાયત્ત સત્તાઓની ભલામણ કરી છે. ENPO એ પૂર્વ વિસ્તારની સાત આદિવાસી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઈમરજન્સી સેવાઓ સિવાય પૂર્વી નાગાલેન્ડના રસ્તાઓ પર લોકો કે વાહનોની અવરજવર નથી. નાગાલેન્ડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એવા લોરિંગે જણાવ્યું હતું કે, મતદાન કર્મચારીઓ સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રદેશના 738 મતદાન મથકો પર હાજર હતા જેમાં 20 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. સીઈઓ ઓફિસના સૂત્રોએ જણાવ્યું કે, તે નવ કલાકમાં કોઈ મતદાન કરવા આવ્યું ન હતું. આ ઉપરાંત 20 ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.નાગાલેન્ડના 13.25 લાખ મતદારોમાંથી પૂર્વ નાગાલેન્ડના છ જિલ્લાઓમાં 4,00,632 મતદારો છે. રાજ્યની રાજધાનીથી લગભગ 41 કિમી દૂર તેમના ગામ તૌફેમામાં પોતાનો મત આપ્યા પછી મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે FNT માટેના કાર્યકારી કાગળનો ડ્રાફ્ટ સ્વીકાર્યો છે જે તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યો અને સૂચિત FNTના સભ્યો સાથે સત્તામાં તેમનો હિસ્સો સિવાય બધું જ સારું લાગે છે.