IITમાં છેલ્લા 19 વર્ષમાં 115 વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો બન્યા

Contact News Publisher

છેલ્લા 19 વર્ષમાં દેશની ટોચની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ના 115 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આઈઆઈટીના વિદ્યાર્થીઓ શિક્ષણના ભારણ હેઠળ વધુ પડતો તણાવ અનુભવતાં હોવાથી વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરવા મજબૂર બનતાં હોવાનું જાણવા મળ્યું છે.

આઈઆઈટી કાનપુરનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગ્લોબલ આઈઆઈટી અલમ્નસ સપોર્ટ ગ્રુપના ફાઉન્ડર ધીરજ સિંહ દ્વારા અરજી કરવામાં આવેલી રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) પરથી આ આંકડો મળ્યો છે. જે અનુસાર, 2005થી અત્યારસુધીમાં આઈઆઈટીના 115 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાંથી 98 કિસ્સા કેમ્પસમાં જ બન્યા છે. 56 વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઈ, જ્યારે 17એ કેમ્પસ પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

2005થી 2024 દરમિયાન આઈઆઈટી મદ્રાસમાં સૌથી વધુ 26 આત્મહત્યાના બનાવો બન્યા છે, આઈઆઈટી કાનપુરમાં 18, જ્યારે આઈઆઈટી ખડગપુરમાં 13 વિદ્યાર્થીઓએ સુસાઈડ કર્યું હતું. આઈઆઈટી બોમ્બેમાં 10 વિદ્યાર્થીઓએ સુસાઈડ કર્યું હતું. ચાલુ કેલેન્ડર વર્ષમાં જ અત્યારસુધી પાંચ આત્મહત્યાના કેસો નોંધાઈ ચૂક્યા છે.

આત્મહત્યાના આ આંકડા માત્ર 13 આઈઆઈટી પાસેથી જ મેળવવામાં આવ્યા છે. દેશમાં કુલ 23 આઈઆઈટી સંચાલિત છે. સિંહે આ મામલે સૌ પ્રથમ આરટીઆઈ ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ કરી હતી. પરંતુ તેઓએ અરજી ફગાવતાં કહ્યું હતું કે, તેઓ પ્રત્યેક આઈઆઈટીમાં આરટીઆઈ કરી જવાબ મેળવે. અપીલ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ આઈઆઈટીને આ મામલે આંકડાઓ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

12 ફેબ્રુઆરી, 2023ના રોજ આઈઆઈટી બોમ્બેનો વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યા બાદ સિંહને આરટીઆઈ મારફત આ આંકડા જાણી લોકોને જણાવવા માગતા હતા કે, દેશની ટોચની ઈન્સ્ટીટ્યુટમાં વિદ્યાર્થીઓ પર કેટલુ બધુ પ્રેશર હોય છે. જેથી વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવા માટે સામૂહિક પ્રયાસો હાથ ધરવામાં આવે.

સોલંકીની આત્મહત્યા બાદ આઈઆઈટી સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 61 ટકા કિસ્સામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળનું કારણ શૈક્ષણિક તણાવ હતો. બાદમાં 12 ટકા લોકોએ નોકરી મામલે ઈનસિક્યોરિટી, 10 ટકાએ પારિવારિક સમસ્યાઓ અને 6 ટકાએ શોષણના કારણે આત્મહત્યા કરે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આઈઆઈટીને વિદ્યાર્થીઓની ફિઝિકલ ફિટનેસ તેમજ માનસિક તણાવ દૂર કરવા સ્પોર્ટ્સ, સાયકોલોજિકલ, સુખાકારી જેવી સુવિધાઓને પ્રોત્સાહન આપવા નિર્દેશ કર્યો છે. કેન્દ્ર સરકારે પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, તથા પરિવારને સાયકોલોજિકલ સપોર્ટ માટે મનોદર્શન પહેલ હાથ ધરી છે. આઈઆઈટીના ફ્રેશર્સ માટે અભ્યાસના વિષયમાં પણ ઘટાડો કરી ભાર હળવુ કરવાના પ્રયાસો થયા છે.