સ્માર્ટ મીટરના ઉગ્ર વિરોધ સામે આખરે સરકારે ઝૂકવું પડ્યું, તાત્કાલિક લેવો પડ્યો મહત્ત્વનો નિર્ણય

Contact News Publisher

રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને દેકારો મચ્યો છે, અને સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.

અનેક શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાયો

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ

અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓને વડાઓને ગાંધીનગરનું તેડું મોકલાયુ હતું. પાટનગરમા ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં  પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.