ચીન-પાકિસ્તાન પર હવે ભારતની વ્યૂહનીતિ કેવી રહેશે? ફરી વિદેશમંત્રી બનતા જ જયશંકરે જવાબ આપ્યો

Contact News Publisher

NDAએ સરકારમાં મંત્રીઓના શપથ ગ્રહણ અને વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. ત્યારબાદ બાદ મંગળ વારે એસ જયશંકરે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યોજનાઓ અંગે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે, વિશ્વમાં શિબિરોમાં વહેંચાઈ ગયુ છે અને તણાવ અને સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા સમયમાં ભારતની ઓળખ એક એવા દેશ તરીકેની છે જેના પર વિશ્વાસ કરી શકાય, જેની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે.

ચીન-પાકિસ્તાન અંગે બોલ્યા વિદેશ મંત્રી

આગામી પાંચ વર્ષ ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોના સવાલ પર એસ જયશંકરે કહ્યું કે, કોઈ પણ દેશ ખાસ કરીને એક લોકતંત્રમાં કોઈ પણ સરકારનું સતત ત્રીજી વખત ચૂંટાવું એ મોટી વાત છે અને દુનિયાને ખબર પડશે કે, ભારતમાં રાજકીય સ્થિરતા છે. જ્યાં સુધી પાકિસ્તાન અને ચીનની વાત છે તો બંને દેશો સાથેના સંબંધો અલગ-અલગ છે તો સમસ્યાઓ પણ અલગ હશે. અમારો પ્રયાસ છે કે, ચીન સાથે સરહદ વિવાદનો ઉકેલ શોધવાનો છે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પારના આતંકવાદના મુદ્દાનો ઉકેલ શોધવા માંગીએ છીએ.

ગત કાર્યકાળની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ

વિદેશ મંત્રીએ કહ્યું કે, મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે મને ફરી એકવાર વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી છે. ગત કાર્યકાળમાં વિદેશ મંત્રાલયે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. અમે G20 ની સફળતાપૂર્વક અધ્યક્ષતા કરી. કોરોનાના પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો. વેક્સિન મૈત્રી અંતર્ગત વેક્સિનની સપ્લાય પણ કરવામાં આવી. આ સાથે જ અનેક મહત્વપૂર્ણ ઓપરેશન જેવા કે, ઓપરેશન ગંગા અને ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યા. ગત દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલય જન આધારિત બની ગયુ છે. તમે જોઈ શકો છો કે અમારી પાસપોર્ટ સેવાઓમાં સુધારો થયો છે. આ સાથે જ અમે સમુદાયના કલ્યાણ અને વિદેશમાં રહેતા ભારતીયો માટે કામ કર્યું છે.

ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ કરવાની માગ કરી રહ્યું છે. જ્યારે આ અંગે વિદેશ મંત્રીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ‘મને પૂરો વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિ ઘણી સફળ રહેશે. અમારા માટે ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. વિશ્વના દેશોને લાગે છે કે ભારત તેમનો મિત્ર છે અને તે મુશ્કેલ સમયમાં અમને સાથ આપે છે. વૈશ્વિક દક્ષિણમાં જો કોઈ દેશ તેમના માટે ઉભો થાય છે તો તે ભારત જ છે. G20ની અધ્યક્ષતા દરમિયાન આપણે આફ્રિકન યૂનિયનને G20ની સદસ્યતા અપાવી. જેમ જેમ દુનિયાનો આપણામાં વિશ્વાસ વધી રહ્યો છે તેમ તેમ આપણી જવાબદારી પણ વધી રહી છે. અમને લાગે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની ઓળખ ચોક્કસપણે વધશે.