ભલે સ્કૂલ વાનના ભાડામાં વધારો કર્યો પણ હવે તૈયાર રહેજો, RTO અને પોલીસે આ તૈયારી કરી છે

Contact News Publisher

વેકેશન ખુલવાની તૈયારીમાં છે, વેકેશન ખુલતાની સાથે જ ફરી બાળકોનો કલબલાટ શરૂ થઈ જશે. તો શહેરના રોડ રસ્તા સ્કૂલવાનથી ભરાઈ જશે. આ વખતે વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે કારણ કે સ્કૂલવાન ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે. બીજી તરફ તંત્રએ રજિસ્ટ્રેશન વગરની સ્કૂલવાનો સામે લાલ આંખ કરી છે અને પુરજોશમાં ચેકિંગનો પ્રારંભ કર્યો છે.

  • રજિસ્ટ્રેશન વગરની સ્કૂલવાન સામે તંત્રની લાલ આંખ
  • RTO શરૂ કરવા જઈ રહ્યું છે ખાસ ઝુંબેશ
  • અમદાવાદ શહેરમાં 15 હજારથી વધુ સ્કૂલવાન
  • RTOના ચોપડે માત્ર 800 સ્કૂલવાન જ છે નોંધાયેલી

વેકેશન ખુલી રહ્યું છે, વેકેશન ખુલતાંની સાથે જ સ્કૂલમાં બાળકોનો કલબલાટ વાતાવરણને મધુર બનાવી દેશે. બાળકો વગર હાલ સ્કૂલો સુની સુની લાગી રહી છે. પરંતુ હવે સ્કૂલો સુની સુની નહીં પણ કલાબલાટની ગૂંજી ઉઠવાની છે. અમદાવાદમાં બાળકોને ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે લઈ જતી અનેક સ્કૂલવાન દોડે છે. એક અંદાજ મુજબ 15 હજારથી વધુ સ્કૂલવાન દોડે છે. પરંતુ RTOના ચોપડે માત્ર 800 સ્કૂલવાન જ નોંધાયેલી છે. તો જે સ્કૂલવાન ચાલકે RTOમાં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તે જલદી કરાવી લેજો. નહીં તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદ RTO અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે કોબિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. દરેક સ્કૂલવાનનું ચેકિંગ કરવામાં આવશે અને તમામના રજિસ્ટ્રેશન ચેક કરવામાં આવશે. જેણે નોંધણી નહીં કરાવી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈ સ્કૂલવાન ચાલક મોબાઈલનો ઉપયોગ કરતો જણાશે તો તેની સામે કાર્યવાહી કરાશે. તો જ્યારે તંત્રએ સ્કૂલવાન સામે લાલ આંખ કરી તેની સાથે જ હવે સ્કૂલવાન ચાલકોએ રજિસ્ટ્રેશન માટે દોડાદોડી કરી દીધી છે. હાલ રોજની 80 અરજી રજિસ્ટ્રેશન માટે આવી રહી છે.

વેકેશન ખુલવાની તૈયારી છે અને હાલ RTOમાં પુરજોશમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. સ્કૂલવાન ચાલકોએ રજિસ્ટ્રેશન માટે થોડી છૂટછાટ આપવાની માગ કરી છે પરંતુ તંત્ર કોઈ રાહત આપવા માટે તૈયાર નથી. અમદાવાદમાં અનેક સ્કૂલવાન દોડે છે, સ્કૂલવાન ચાલકોએ આ વખતે ભાડામાં પણ વધારો કરી દીધો છે. જેના કારણે વાલીઓને આ વખતે મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. જોવું રહેશે કે મોંઘવારીનો માર હવે ક્યાં જઈને અટકે છે. તો તંત્ર જે કાર્યવાહી કરવા જઈ રહ્યું છે આવકારદાયક છે.