અમરેલી પંથકમાં બાળકી બોરમાં ફસાઈ જતાં કલાકો સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું

Contact News Publisher

અમરેલી, : અમરેલીના લાઠી તાલુકાના સુરગપરા ગામે આરોહી નામની એક દોઢ વર્ષની ખેત મજુર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરવેલમાં ખાબકી હતી. પરિવારની એક ને એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા તેના માતા-પિતા હતપ્રભ બની ગયા હતા  બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઓપરેશન આરોહી શરુ કરવામાં આવ્યું હતું અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હતા.

લાઠી તાલુકાના સુરગપરા ગામે આવેલ ભનુભાઇ ભીખાભાઇ કાકડિયા નામના એક ખેડૂતના ખેતરમાં ખેત મજૂરી કામ કરવા માટે દાહોદથી આવેલ કરમણભાઇ રમેશભાઈ અમલીયાર અને સાવિત્રીબેનની એક ને એક દીકરી આરોહી આજે સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના સમય દરમિયાન બોરમાં પડી ગઈ હતી.બાળકીના માતા-પિતા સહિતના પરિવારના લોકો સીઝન ચાલી રહી હોવાથી દોઢ વર્ષની આરોહીને સુવડાવી અને કપાસિયા સોંપવા માટે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક બાળકી ઉઠી દરરોજના રૃટિન પ્રમાણે બહાર રમી રહી હતી. તે દરમિયાન ખેતરમાં આવેલ ખુલ્લા બોર પરથી પત્થર ખસી જતા બાળકી બોરમાં  ખાબકી હતી. દરમિયાન દીકરી ન દેખાતા અને ક્યાંક અવાજ સાંભળતા ૧૨ વાગ્યાના આસપાસ દીકરી બોરવેલમાં ફસાઈ હોવાનું પરિવારના લોકોને પ્રતીત થયું હતું.આ ઘટના બાદ બાળકીના પિતાએ તેના ખેતર માલિકને જાણ કરતા તેમના દ્વારા બાળકીને બહાર કાઢવા માટે જીસીબી સહિતના સાધનો મંગાવ્યા અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.