16 વર્ષની તરૃણીને ભગાડી દુષ્કર્મ આચરનાર 19 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા

Contact News Publisher

એકાદ વર્ષ પહેલાં કાપોદરા વિસ્તારની16 વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડીને  દુષ્કર્મ આચરી પોક્સો  એક્ટના ભંગ કરનાર 19 વર્ષીય  આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ ૫(એલ)સાથે વાંચતા કલમ-6 તથા ઈપીકો-376(2)(એન)ના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ,રૃ.50 હજાર દંડ ભરે તો પીડીતાને ૪૫ હજાર વળતર પેટે ચુકવવા અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

કાપોદરા પોલીસ મથકની હદમાં રહેતી 16 વર્ષની તરૃણી ગઈ તા.14-4-23ના રોજ દવા લેવાના બહાને મેડીકલ સ્ટોરમાં જવાનું જણાવીને સાંજ સુધી પરત ન ફરતાં ફરિયાદી માતાએ શોધખોળ કર્યા બાદ પોતાની સગીર પુત્રીને કોઈ અજાણ્યા ઈસમ અપહરણ કરી ગયો હોવા અંગે કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગે કાપોદરા પોલીસે તપાસ કરતાં મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દાથીયા ગામનો વતની 19વર્ષીય આરોપી જયદીપ ઉર્ફે કાલુ રમેશભાઈ બારૈયા તથા પીડીતા તરૃણીને ઝડપી પાડયા હતા.જેની તપાસ દરમિયાન આરોપીએ ભોગ બનનાર તરૃણીને લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ઉપાડી જઈને 45 દિવસ સુધી રાજકોટ,પાટડા,દાથીયા વગેરે સ્થળોએ સાથે રાખી હતી.આરોપીએ આ દિવસો દરમિયાન એકથી વધુ વાર પીડીતા સગીર હોવાનું જાણવા છતાં એકથી વધુવાર શરીરસંબંધ બાંધીને પોક્સો એક્ટના ભંગ કર્યો હતો.

આથી કાપોદરા પોલીસે આરોપીની ઈપીકો-363,366,376(2)(જે)(એન)પોક્સો એક્ટની કલમ-3(એ),4,5(એલ),6,8 તથા 10 ના ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.અલબત્ત આરોપીએ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ હાજર ન થતાં બિનજામીન પાત્ર વોરંટના આધારે ફરીથી  ગઈ તા.7 માર્ચના રોજ ધરપકડ કરીને જેલભેગો કરવામાં આવ્યો હતો.

આ કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે આરોપી તથા પીડીતા વચ્ચે પ્રેમસંબંધ હોવાનો બચાવ લીધો હતો.વધુમાં ભોગ બનનાર પોતાની સ્વૈચ્છાએ આરોપી સાથે ગયા બાદ 45 દિવસ સુધી તેની સાથે રહીને પ્રતિકાર કર્યો ન હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 13 સાક્ષી તથા 28 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. પીડીતા માત્ર 16 વર્ષની સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને તેની સાથે ૪૫ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ સાથે રહીને શરીર સંબંધ બાંધ્યા છે.એક તબક્કે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું માની લેવા છતાં આરોપીએ ભોગ બનનાર સગીર  હોવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધીને પોક્સો એક્ટનો ભંગ કર્યો છે.સગીરની સંમતિ હોય કે ન હોય તે અપ્રસ્તુત છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી છે.