ગુજરાતમાં મેઘસવારી, અત્યાર સુધીમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો, આ જિલ્લાઓમાં યલો એલર્ટ

Contact News Publisher

ગુજરાતમાં મેઘરાજા ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લા ઘણાં દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આજે (27મી જૂન) કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર,  નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 28મી જૂને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ, જ્યારે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 30મી જૂને ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. પહેલી જુલાઈ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે, અત્યાર સુધીમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે રાજકોટના જેતપુરમાં 30 મિ.મી., બોટાદમાં 13 મિ.મી., માણાવદરમાં 12મિ.મી, રાણાવાવ, બગસરા અને બોટાદમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

આ જિલ્લામાં ધોધમાર વરસાદ

જુનાગઢના માણવદરમાં વિવિધ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલી જિલ્લામાં બગસરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ મહેર થઇ છે. બોટાદ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એક્શનમાં

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એક્શનમાં છે. આઠ જિલ્લામાં NDRFની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. જેથી કોઈ પણ પરિસ્થતિમાં રાહત કાર્ય થઈ શકે અને લોકોના જીવ ન જોખમાય.