રાજકોટમાં 7 ઈંચ વરસાદ, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતી, અનેક ગામોનો તૂટ્યો સંપર્ક

Contact News Publisher

 ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે (30મી જૂન) મોડી રાત્રિથી આજે સવાર સુધી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન બન્યા છે. અવિરત વરસાદના કારણે પૂર જેવી સ્થિતી સર્જાય છે. રસ્તાઓ બંધ કરવામાં આવતા અનેક ગામોના સંપર્ક કપાયા છે.

ઉપલેટામાં જળબંબાકાર

રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરશ બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. તો ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. ધોરાજીના નાની પરબડીની ફુલજર નદી ઓવર ફ્લો થઈ છે. પુલ અને કોઝવે ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહારને અસર પહોંચી રહી છે.

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

જૂનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. અવિરત વરસાદથી અનેક ગામોનો સંપર્ક કપાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.

રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા 

મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચાયત હસ્તકના 26 રસ્ચાઓ પણ બંધ કરાયા હતા. સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તા બંધ થયા હતા. જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના છ રસ્તાઓ, દ્વારકા જિલ્લામાં પંચાયત હસ્તકના ચાર રસ્તા, જૂનાગઢ જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે, રાજકોટ જિલ્લામાં 3, પોરબંદર જિલ્લામાં 2 રસ્તા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલીમાં 1-1 રસ્તા બંધ કરાયા હતા.