અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘસવારી, વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યા

Contact News Publisher

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી કહેર જોવા મળ્યો હતો. સોમવારે સાંજે 4થી 6ના બે કલાકના સમયમાં નરોડામાં અંદાજે 4 ઈંચ તથા મણિનગરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

નીચાણવાળા સ્થળ પાણીમા ગરકાવ

નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારમાં માત્ર થોડા વરસાદમાં નીચાણવાળા સ્થળ પાણીમા ગરકાવ થઈ ગયા હતા. ખોખરા બ્રિજ ઉપર ભારે વરસાદને પગલે સાંજના સમયે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. નરોડા વિસ્તારમાં સાંજે 5થી 6ના એક કલાકના સમયમાં 65 મિલીમીટર જેટલો વરસાદ ખાબકયો હતો. સોમવારે સવારના 6થી સાંજના 8 કલાક સુધીમા શહેરમા સરેરાશ 21 મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યાર સુધીમાં કુલ 6.4 ઈંચ વરસાદ થવા પામ્યો હતો.

સૈજપુર ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા

વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરાં ઉડાડી દીધા

પ્રિ-મોન્સૂન એકશન પ્લાન હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામા આવતી કામગીરીના સામાન્ય વરસાદે લીરેલીરાં ઉડાડી દીધા હતા. સુકન ચાર રસ્તા, નિકોલ, બાપુનગરમા આવેલા 137ના બસસ્ટોપ સહિતના અન્ય સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાતા સોમવાર વર્કીંગ ડેનો પહેલો દિવસ હોવાથી ઓફિસ કે વ્યવસાયના સ્થળેથી પરત ફરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.