સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાઃ માણાવદર 15 ઈંચ, ધોરાજી 7 ઈંચ,જુનાગઢ, દ્વારકામાં 10 વરસાદ

Contact News Publisher

સૌરાષ્ટ્રમાં હજુ અષાઢ તો બાકી છે ત્યારે જેઠ માસના કૃષ્ણપક્ષમાં આજે જૂલાઈના આરંભ સાથે મેઘરાજા મન મુકીને વરસી પડયા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રને જળબંબોળ કરી દીધું હતું. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનેક સ્થળે 10 ઈંચ સહિત વ્યાપક ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં માણાવદરમાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં 15 ઈંચ મુશળધાર વરસાદ વરસતા સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું હતું. તો દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત  ભારે વરસાદ થયો છે.

રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર,ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી,ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર આજે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.

વ્યાપક વરસાદથી મગફળી સહિત કૃષિપાકોનું ચિત્ર ઉજળુ બન્યું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. તેમજ અસહ્ય બારા ગરમીમાં નોંધપાત્ર્ રાહત મળી હતી અનેક સ્થળે મહત્તમ તાપમાન 3- સે.ની નીચે જતું રહ્યું હતું. ધોધમાર વરસાદના માહૌલથી બજારોમાં ચહલપહલ પણ મંદ થઈ હતી.

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં મુશળધાર 15  ઈંચ વરસાદથી થાપલા, કોડવાવ, સમેગા,પીપલાણા, સરાડીયા, ચિખલોદ્રા, દેશીંગા, મરમઠ, વેકરી, લીંબુડા, ઈન્દ્રા, શેરડી, ગણા, ભિંડોરા, વડા, પાદરડી, મટીયાણા, આંબલિયા એ 19 ગામો રસ્તા માર્ગે સંપર્ક વિહોણા થયા હતા. ઉપલેટા પંથકના ભીમોરા અને લાઠ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જુનાગઢથી ધોરાજી વચ્ચેનો રસ્તાા સહિત સૌરાષ્ટ્રના અનેક આંતરિક માર્ગો પાણીમાં ડુબતા, પૂરના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

સોરઠમાં ગત રાત્રિથી વરસાદનું જોર વધ્યું હતું, માણાવદર ઉપરાંત માળિયા હાટીનામાં આજે સાંજે 6થી 8 વચ્ચે ધોધમાર વધુ 3 ઈંચ સાથે 8 ઈંચ વરસાદ વરસ્યોહતો.  જુનાગઢમાં 10 ઈંચ, વંથલીમાં 12 ઈંચ, મેંદરડામાં 11 ઈંચ, વિસાવદરમાં અને કેશોદ તાલુકામાં 9 ઈંચ, ભેંસાણમાં 8 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં અતિશય ભારે વરસાદ આજ સાંજ સુધીમાં નોંધાયા બાદ પણ વરસાદ જારી રહ્યો હતો.

સાંજે 6 વાગ્યા પછી પણ  કેશોદ, વંથલી, જુનાગઢમાં બે-બે ઈંચ તથા માણાવદર, મેંદરડા, વિસાવદમાં એક ઈંચ વરસાદ રાત્રિના આઠ સુધીમાં વરસ્યો હતો. ચોતરફ ભારે વરસાદથી લોકોની અવરજવર સ્થગિત થઈ ગઈ હતી. જુનાગઢ જિલ્લાના અનેક માર્ગો બંધ થયા હતા, જોષીપુરા,ઝાંઝરડા અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, અનેક શાળાઓએ વરસાદની સ્થિતિ જોઈને રજા જાહેર કરી દીધી હતી. દેવભુમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશના પ્રસિધ્ધ યાત્રાધામ પર ઈન્દ્રદેવ મન મુકીને વરસ્યા હતા અને 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. દ્વારકાના અનેક વિસ્તારો જળબંબાકાર થતા લોકોને હાલાકી થઈ હતી. ખંભાળિયામાં મોડી સાંજે ધોધમાર 2 ઈંચ સહિત આજે સાડા આઠ ઈંચ વરસાદ વરસી જતા બજારો સૂમસામ બની હતી અને ઘી અને તેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.

દ્વારકામાં સતત બે દિવસથી ભારે વરસાદથી ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ઘી ડેમમાં એક માસનું પાણી સંગ્રહિત થયું અને નવી ભારે આવક જારી રહી હતી. સ્ટેશન રોડ વિસ્તારમાં વૃધ ધસી પડયું હતું. અનેક નાના જળાશયો અને ચેકડેમો છલકાયા હતા. જામકલ્યાણપુર તાલુકામાં સવા આઠ ઈંચ વરસાદ બાદ સાંજે વધુ અર્ધો ઈંચ સહિત આશરે ૯ ઈંચ પાણી વરસી ગયું હતું. ભાણવડમાં સાંજ સુધી ૨ ઈંચ પછી મોડી સાંજે વધુ એક ઈંચ વરસાદ વરસ્યો છે. સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની કૃપા વરસી હતી. ઉનામાં બે ઈંચ તથા કોડીનારમાં સવારથી રાત્રિના આઠ સુધીમાં પાંચ ઈંચ ધોધમાર વરસાદ સાથે પાણી ભરાતા મુખ્યમાર્ગો પર નીકળવું પણ મૂશ્કેલ બન્યું હતું. ખેડૂતોમાં સચરાચર વરસાદથી આનંદ છવાયો છે, તાલુકાના શિંગોડા ડેમમાં ૩ ફૂટ નવા નીરની આવક થઈ છે. સોમનાથ જિલ્લામાં આ ઉપરાંત સૂત્રાપાડા અને ગીર ગઢડા તાલુકામાં રાત્રિ સુધીમાં સાડાત્રણ ઈંચ,ઉનામાં અને વેરાવળ પાટણમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા પંથકમાં બે કલાકમાં ચાર ઈંચ ધોધમાર વરસાદથી હિરણ સહિતની નદીમાં પાણી વહેતા થયા હતા.