સાંચોરથી રોજ 100 કાર ભરી દારૂ ગુજરાતમાં ઠલવાય છે, બુટલેગરની કારના અકસ્માતથી ઘટસ્ફોટ થયો

Contact News Publisher

એસપી રીંગ રોડ પર બોપલ ઓવરબ્રીજથી રાજપથ તરફ જવાના કટ પાસે શીલજ સર્કલ તરફથી 210 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આવી રહેલી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત સર્જતા ત્રણના મૃત્યુ થયાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રાજસ્થાનના સાંચોરથી બૂટલેગરોનું નેટવર્ક એટલું મજબૂત છે કે, ગુજરાતમાં દરરોજ 100 કારમાં દારૂ ભરીને ગુજરાતમાં ઠાલવવામાં આવે છે.

દારૂ ભરેલી કારની ઝડપ 210 કિમી/કલાક

અતિ ગંભીર અંકસ્માત સર્જનાર ઓમપ્રકાશનો સગીર વયનો પુત્ર પણ થોડા દિવસો અગાઉ જ આ પ્રકારે કાર લઈને દારૂ ઠાલવતાં પકડાયો હતો. બીજી તરફ, દારૂ ભરેલી કારની ઝડપ 210 કિલોમીટર શા માટે હતી? કોઈ પોલીસ ટીમ પીછો કરતી હતી? તે બાબતની તપાસમાં પોલીસ રસ દાખવતી નથી.

વિરમગામથી અમદાવાદ આવી રહેલી થાર કારને બોપલ ઓવરબ્રીજ ઉતરીને રીંગ રોડની કટથી યુ ટર્ન લઈને રાજપથ જવાના રસ્તા ઉપર શીલજ સર્કલ તરફથી પુરઝડપે ધસી આવેલી ફોર્ચ્યુનર કારે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, થાર કાર હવામાં ચારથી પાંચ વાર ફંગોળાઇને 200 મીટર દુર ઉછળીને પડી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર પણ 100 મીટર દુર ફંગોળાઈ હતી અને બંને કારના ભુક્કા બોલી ગયા હતા.

દારૂનો જથ્થો લઈને આવી રહેલાં ચાલકનું મૃત્યુ નિપજ્યું

આ અકસ્માત સમયે ફોર્ચ્યુનરની ગતિ 210 કિલોમીટર પ્રતિકલાકની હતી. આ અકસ્માતમાં સૌથી ગંભીર બાબત એ હતી કે, ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. દારૂનો જથ્થો લઈને આવી રહેલાં ચાલક ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે, તેની સાથે રહેલા રાજુ બિશ્નોઈ સારવાર માટે હોસ્પિટલમાં છે.

પોલીસ દ્વારા રાજુની પ્રાથમિક તપાસ

રાજુની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી છે કે, થોડા સમય પહેલાં એક પ્રસંગમાં ઓમપ્રકાશ તેને મળતાં બંને મિત્રો બન્યાં હતાં. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા રાજુને ઓમપ્રકાશ આંટો મારીને આવીએ તેમ કહીને કારમાં સાથે લાવ્યો હતો. કારમાં દારૂ હોવાની જાણ રસ્તામાં મોડેથી થયાનું રાજુ પ્રાથમિક વાતચીતમાં પોલીસને કહી રહ્યો છે. કારની ઝડપ આટલી શા માટે હતી? તે અંગે પોલીસ હજુ રાજુની પૂછપરછ કરી શકી નથી.

સાંચોરથી ગુજરાતમાં દરરોજ 100 કાર દારૂ ભરીને આવવાનો ઘટસ્ફોટ

જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ગંભીર ઘટસ્ફોટ થયો છે કે, રાજસ્થાનના સાંચોરથી ગુજરાતમાં દરરોજ 100 કાર દારૂ ભરીને આવે છે. સૌથી હોટ ફેવરિટ રૂટ સાંચોરથી નડિયાદ સુધી દારૂ પહોંચાડવાનો છે. બનાસકાંઠા, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ રૂરલ અને નડિયાદ પોલીસમાં અમુક લોકો સાથે મિલીભગત વગર આ પ્રકારે દારૂની હેરાફેરીનું વ્યાપક નેટવર્ક ચાલે તે શક્ય નથી. બનાસકાંઠા પોલીસની પરમિશન હોય તો જ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડીઓ ગુજરાતમાં ઘુસી શકે છે તેવી ચર્ચા પોલીસ તંત્રમાં જ થઈ રહી છે.

અધિકારીઓ સાથે મિલીભગત હોવાનું અંદાજથી તપાસના ચક્રો ગતિમાન

અગાઉ, અમદાવાદ પીસીબીએ કેસ કર્યા તે દારૂ ભરેલી કાર નડિયાદ જતી હતી. જ્યારે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓમપ્રકાશનો સગીર વયનો પુત્ર પણ સરખેજમાં પકડાયો હતો. તે પણ દારૂ ભરેલી કાર લઈને નડિયાદ જવાનો હતો. આમ, દારૂની હેરાફેરીના વ્યાપક નેટવર્ક વચ્ચે છૂટાછવાયા કેસ થતાં રહે છે. બાકી, અમુક પોલીસકર્મીઓ કે અધિકારીઓ સાથે મિલીભગતથી નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થતાં આ અંગે અંદરખાને તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે.

કારની સ્પીડ બાબતે હજુ કોઈ તપાસ નહી 

આ કેસમાં સૌથી ગંભીર બાબત કારની ગતિ 210 કિલોમીટર હોવાની છે. જો કે, આ બાબતે ઊંડી તપાસ કરવા માટે પોલીસની સક્રિયતા જણાતી નથી. અકસ્માત સ્થળના સરકારી સીસીટીવી પોલીસને મળતાં નથી. પણ, અકસ્માત સર્જાયો તે પહેલાં એસ.પી. રીંગ રોડ ઉપરના સીસીટીવી તપાસવા કે સીસીટીવી જોઈને પોલીસની કોઈ કાર પીછો કરી રહી હતી કે કેમ? તે અંગે તપાસ કરવાની દરકાર હજુ સુધી તો દાખવવામાં આવી નથી.