ગુજરાતમાં 10 વર્ષમાં ડ્રગ્સના દૂષણે 371નો ભોગ લીધો, 4 વર્ષમાં 9600 કરોડ રૂપિયાનું 87 ટન ડ્રગ્સ ઝડપાયું
![](https://maashapuranews.com/wp-content/uploads/2024/06/2-2.png)
ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા 9600 કરોડની કિંમતનું 87 ટન ડ્રગ્સ ઝડપાયેલું છે. ડ્રગ્સના વધતા દૂષણને પગલે તેનાથી મૃત્યુ થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી 711 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ડ્રગ્સના ઓવરડોઝથી 371 વ્યક્તિના મૃત્યુ થયા છે. આવતીકાલે ‘ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે’ છે ત્યારે ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય છે.
700થી વધુ વ્યક્તિએ ડ્રગ્સના દૂષણને કારણે જીવન ટૂંકાવ્યું જ્યારે 300થી વધુના ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન ડ્રગ્સના દુરુપયોગથી ગુજરાતમાં 645 પુરુષ-66 મહિલા એમ કુલ 711ના મૃત્યુ થયા છે. જેમાં વર્ષ 2022માં 91 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. ડ્રગ્સના દુરૂપયોગથી સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 3073 સાથે મોખરે છે. સમગ્ર દેશમાં 11634 વ્યક્તિએ ડ્રગ્સની આદતને કારણે જીવન ટૂંકાવ્યું છે. જેમાં 11394 પુરુષ-239 મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં ગુજરાતમાંથી ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 25, સુરતમાંથી 5 જ્યારે વડોદરામાંથી 1 વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી. મોટા શહેરમાંથી ડ્રગ્સને કારણે સૌથી વધુએ આત્મહત્યા કરી હોય તેમાં બેંગાલુરુ 205 સાથે મોખરે છે.