કચ્છના ધોરીમાર્ગો ખખડધજ પણ ટોલટેક્સમાં વધારો થતા રોષ

Contact News Publisher

નેશનલ હાઇવે ઓથોરિટી ઓઇ ઇન્ડિયા તરફથી દરેક વાહનોના ટોલ ટેક્સમાં ગત મોડી રાતથી ભાવ વધારાની જાહેરાત કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ખખડધજ બની ગયેલા રસ્તાઓ અને ફાસ્ટેગ હોવા છતાં વાહનના ખડકલા લાગતા હોવાની અસુવિધા વચ્ચે ભાવ વધારો માથાના દુ:ખાવા સમાન લાગ્યો છે. કચ્છના 6 ટોલ નાકા ઉપર 4થી 5 ટકા જેટલો ભાવ વધારો લાદી દેવામાં આવ્યો છે. રોષ ભભુકી ઉઠતા મોખા ટોલનાકાથી મોખા ગામની આંટી સુધી ચાર કિમી કતારબંધ વાહનોના પૈડાં થંભી ગયા હતા.

ગત રાત્રીથી NHOI દ્વારા પરિપત્ર પાઠવી અચાનક ભાવ વધારો અમલી બનાવતા ચોમેર વિરોધનો વંટોળ ઉભો થયો છે. કચ્છના મોટાભાગના રસ્તાઓ વારંવાર ખખડધજ બની જતા હોય છે પણ ટોલ ટેક્સ તઘડા વસુલી લેવામાં આવે છે. અવાર નવાર ટોલ પ્લાઝા પર વાહનોના ખડકલા લાગતા હોય છે ત્યારે અસુવિધા વચ્ચે ટોલના ભાવમાં વધારો કરાતા વિરોધ થઇ રહ્યો છે.
કચ્છના સુરજબારી, માખેલ, સામખિયાળી, મોખા, લાખોંદ અને દેશલપર ટોલ પ્લાઝા પર ભાવ વધારો થતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. ફોરવ્હીલર કારને નેશનલ હાઇવેના સુરજબારી, માખેલ, સામખિયાળી ટોલ પ્લાઝા પર રૂપિયા ચુકવવા પડે છે ત્યારે ટ્રાન્સપોર્ટ વાહનોને તમામ ટોલ પ્લાઝા પર નાણા ચુકવવા પડે છે.

મોખા ટોલનાકે અનેક ચાલકોએ પોતાના ભારે વાહનોનો નાકા પર ખડકલો કરી દેતા બંન્ને બાજુએ ચાર કિમી સુધી વાહનોની લાઈન લાગી ગઈ હતી.અને તાત્કાલિક અસરથી બંદરીય વેપાર સાથે સંકળાયેલા પરિવહનકારોએ નાકા પર ઘસી જઈ હાઇવે ઓથોરિટીના સક્ષમ અધિકારીઓ સાથે વાટાઘાટનો દોર આરંભ્યો હતો.અત્રે નોંધનીય છે કે ખાસ કરીને હાઇવે ઓથોરિટીના મનસ્વી વલણ થકી મુન્દ્રા પોર્ટ સાથે સંકળાયેલા ભારે વાહનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા છે. મોડી સાંજે પ્રાપ્ત અહેવાલ મુજબ મુન્દ્રા કંડલા ટ્રાન્સપોર્ટ યુનિયને ટોલ સંચાલકો સાથે બેઠક કરી રાહત આપવાની માંગ કરી છે પરંતુ તે અંગે કોઈ નિરાકરણ આવ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *