કોરોના મુદ્દે લોકગાયિકા ગીતા રબારી ફસાયા વિવાદમાં, જાણો એવું શું કર્યું કે થયા તપાસના આદેશ ?

Contact News Publisher

ગુજરાતમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે અને 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી અપાઈ રહી છે. જાણીતી લોકગાયિકા ગીતા રબારી આ રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે જઈને રસી અપાતાં વિવાદ થઈ ગયો છે.

ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફત પોતાના ઘરે નર્સ કોરોનાની રસી આપી રહી હોવાની પોસ્ટ મૂકી હતી. આ મુદ્દે વિવાદ થતાં તેણે પછી પોસ્ટ ડિલિટ કરી નાખી હતી પણ આ પોસ્ટના સ્ક્રીન શોટ વાયરલ થઈ જતાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ આપવો પડ્યો છે. આ આદેશને સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો છે.

કોરોનાની રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. લોકોને પસંદગીના અને નજીકના સ્થળે કેન્દ્ર ન મળવાથી દૂર દૂર રસી લેવા જવું પડે છે. બીજી તરફ ગીતા રબારી જેવી સેલિબ્રિટીને વગર રજિસ્ટ્રેશને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાતાં લોકો ભડક્યાં હતાં.

લોકગાયિકા ગીતા રબારી, તેમના પતિ અને પરિવારજનોને ઘરે જઈને રસી અપાઈ હોવાની પોસ્ટ સ્વયં ગીતા રબારીએ ટ્વિટર પર મૂકતાં લોકોએ સવાલો કર્યા હતા કે રજિસ્ટ્રેશન કરાવ્યું? કયો સ્લોટ મળ્યો હતો? ગીતા રબારી આ સવાલોના જવાબ નહોતાં આપી શક્યા તેથી વિવાદ થઈ ગયો હતો. વધુ વિવાદ ટાળવા ગીતાએ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. જો કે આ તેમની પોસ્ટ અને તેમના પતિએ વ્હોટસએપના સ્ટેટસમા મૂકેલા ફોટા- સ્ક્રીન શોટમાં લેવાઈ ગયા હતા.

આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા પર પસ્તાળ પડતાં તેમણે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકની પૂછપરછ કરી હતી. એ પછી તેમણે જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, . આ આદેશના પગલે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોર 12 વાગ્યા સુધી ખુલાસો કરવા નોટિસ ફટકારાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News