કચ્છનો દરિયો માદક દ્રવ્યોની હેરફેર માટે સ્વર્ગઃ ચરસના વધુ પેકેટ પકડાયા

Contact News Publisher

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કચ્છનો દરિયો માદક દ્રવ્યોની હેરફેર માટે જાણે સ્વર્ગ બની ગયો હોય તેમ છાશવારે પાકિસ્તાનથી આવતો મોંઘા ડ્રગ્સનો જથ્થો કચ્છના દરિયામાંથી ઝડપાઈ રહ્યો છે. માત્ર બે વર્ષના ટુંકા ગાળામાં કચ્છના દરિયેથી ૫૨૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા કચ્છમાં ઝડપાયેલા ચરસનો આ આંક વધુ છે. વિવિધ એજન્સીઓ દ્વારા કચ્છના દરિયામાંથી ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે. તે રીતે છેલ્લા એક વર્ષથી કચ્છમાં બિનવારસી ચરસના પેકેટ પણ દરિયામાંથી મળી આવ્યા છે. કચ્છમાં મે ૨૦૨૦માં પ્રથમ વાર કચ્છના દરિયામાંથી બિનવારસી ચરસના પેકેટ ઝડપાયા હતા. ત્યારબાદ કચ્છના દરિયામાં વિવિધ એજન્સીઓએ સંયુકત ઓપરેશન હાથ ધરી અત્યાર સુધી કુલ પંદરસોથી વધુ ચરસના પેકેટ ઝડપી પાડયા છે. ત્યારે આજે સીંધોડીના દરિયાકાંઠેથી વધુ ૨૦ બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા હતા. સ્ટેટ આઈબી દ્વારા ચરસના પેકેટ પકડી પડાયા હતા.

ગત જુલાઈ ૨૦૨૧ ના સુધીમાં કચ્છના દરિયામાંથી એક વર્ષના સમયગાળા દરમિયાન રૃપિયા ૨૨ કરોડની કિંમતના ૧૪૫૨ બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. હજુ પણ કચ્છના દરિયાકિનારેથી ચરસના પેકેટ મળી આવવાનો સીલસીલ જારી છે. ગત જુલાઈ ૨૦૨૧ સુધીમાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી એજન્સીઓ અને પોલીસ દ્વારા ચરસના સૌથી વધુ ૮૩૩ પેકેટ ઝડપી પડાયા હતા. કોસ્ટગાર્ડએ ૧૯૧, બીએસએફ- ૧૯૮, મરીન ટાસ્ક ફોર્સ- ૧૩૩ તથા સ્ટેટ આઈ.બી.-૧૩૭ પેકેટ ઝડપી પાડયા હતા. જે સીલસીલો હજુ પણ જારી છે. માંડવી-જખૌ નજીકના દરિયામાંથી હજુ પણ બિનવારસી પેકેટ ઝડપાઈ રહ્યા છે.

કચ્છમાં અગાઉ ઝડપાયેલા માદક દ્રવ્યો ડ્રગ્સના કિસ્સામાં તો પાકિસ્તાનથી કચ્છ સુધીનો જથ્થો લાવનાર ઝડપાઈ ગયા છે. પરંતુ ચરસના કિસ્સામાં અત્યાર સુધી કચ્છના દરિયે આ જથ્થો કઈ રીતે આવ્યો તે સામે આવ્યુ નથી. કચ્છના દરિયાકાંઠથી ઝડપી પડાતા ચરસ મામલે સંબંધિત પોલીસ મથકે ફરિયાદો નોંધાતી હોય છે. અગાઉ કચ્છમાં કરોડો રૃપિયાનો પકડાયેલો ચરસનો જથ્થો પકડાઈ જવાના ડરે કોઈએ દરિયામાં માલ ફેંકી દીધા બાદ તણાઈ આવ્યો હોય ત્યારે પેકેટ પણ પાકિસ્તાનથી આવ્યા હોય તેવા ચિન્હો મળ્યા છે તેવો અનુમાન પોલીસે વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *