નરોડા રેલવે ઓવરબ્રિજના 8 જૂને લોકાર્પણ પહેલા જ સંત રોહિદાસ બ્રિજના નામની તકતી મારી દેવામાં આવી

Contact News Publisher

શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજ હવે વિવાદાસ્પદ બ્રિજ બની ગયો છે. આગામી 8 જુનના રોજ મુખ્યમંત્રીના વરદહસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, જેની પહેલા જ સંત શ્રી રોહિદાસ બ્રિજના નામની તકતી સ્થાનિક દલિત સમાજના લોકોએ લગાવી દીધી છે. તેઓની માગ છે કે, સંત રોહીદાસના નામે બ્રિજ હોવો જોઈએ. દલિત સમાજની અનેક સંસ્થાઓ અને પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણીની રજુઆતથી અન્ય સમાજના સંતના નામે બ્રિજનું નામકરણ રાખવામાં આવ્યું છે. આ બ્રિજનું ઉદ્ઘાટન પહેલા જ નામકરણ ફરી વિવાદ થયો છે.

દલિત સમાજે બ્રિજ પર ધરણાં પ્રદર્શન કર્યા
નરોડા રેલવે ઓવરબ્રિજના ઉદ્ઘાટન માટે કોંગ્રેસ દ્વારા ગત અઠવાડિયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બ્રિજ વિપક્ષના નેતા વિરોધ શરૂ કરવામાં આવનાર હતા. જોકે, પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. નામકરણને લઈ સ્થાનિક દલિત સમાજે બ્રિજ પર ધરણાં પર પ્રદર્શન કર્યા હતા. અવારનવાર મેયર સહિતના લોકોને રજુઆત કરી હતી. હવે મ્યુનિસિપલ તંત્ર કે ભાજપ દ્વારા કોઈ રજુઆત ધ્યાને ન લેવાતાં તેઓએ હવે તકતીની જગ્યા પર સંત રોહિદાસના નામનો ઓવરબ્રિજની તકતી મારી દીધી છે.

સંત શ્રી રોહિદાસ બ્રિજના નામની તકતી સ્થાનિક દલિત સમાજના લોકોએ લગાવી દીધી
સંત શ્રી રોહિદાસ બ્રિજના નામની તકતી સ્થાનિક દલિત સમાજના લોકોએ લગાવી દીધી

ભાજપના સાંસદને પત્ર લખી રજુઆત કરી
નરોડા રેલવે સંત રોહીદાસ ઓવરબ્રિજ નામકરણ કરવા પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકીએ પત્ર લખી રજુઆત બાદ પણ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના જ શાસકોએ સાંસદ સભ્યને પણ ગાંઠયા નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામોમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચનબેન પંજવાણીની દરખાસ્તને ધ્યાને રાખી નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રેલવે ઓવરબ્રિજ રાખવા મંજૂરી આપવામાં આવી હતી. .

સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરાયો હતો
સરદારનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર કંચન પંજવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નરોડા રેલવે ઓવરબ્રિજનું નામકરણ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રાખવા માટે અમારા ધારાસભ્ય બલરામ થાવાણી અને મેં પણ રજૂઆત કરી હતી અને ગત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે

બે પેઢીથી દલિત સમાજની વસ્તી નરોડામાં છે
બહુજન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરીટભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષથી અમે નરોડા રેલવે ઓવરબ્રિજની નજીક રહીએ છીએ. 50થી 60 ટકા જેટલી બે પેઢીથી દલિત સમાજની વસ્તી નરોડામાં છે. સ્થાનિક લોકો અને દલિત સમાજની માંગણી હતી કે નરોડા રેલવે ઓવરબ્રિજ નું નામકરણ સંત રોહિતદાસ બ્રિજ રાખવામાં આવે એના માટે અમે છેલ્લા એક વર્ષથી મ્યુનિસિપલ કમિશનર, મેયર, સાંસદ સભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જોકે ત્રણેક દિવસ પહેલા અમને જાણવા મળ્યું હતું કે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચન પંજવાણીના દરખાસ્તની સાથે આ બ્રિજનું નામકરણ બીજું રાખવામાં આવ્યું છે. આ અમારા સંતનું અપમાન છે જે ચલાવી લેવાશે નહિ.

8 જુનના રોજ મુખ્યમંત્રીના વરદહસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થશે
8 જુનના રોજ મુખ્યમંત્રીના વરદહસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થશે

બ્રિજનું નામ સંત રોહીદાસ રાખવા માટે પત્રો લખ્યા
અમે તથા અમારા દલિત સમાજની સંસ્થાઓ દ્વારા છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ સંત રોહીદાસ રાખવા માટે પત્રો લખ્યા અને અમને બાહેધરી પણ આપવામાં આવી હતી પરંતુ હવે બીજું નામ બદલી નાખવામાં આવતા અમે બ્રિજ પર સંત રોહીદાસ ઓવરબ્રિજ નામનું બોર્ડ લગાવી દીધું છે. પશ્ચિમ લોકસભાના સંસદસભ્યો ડો.કિરીટભાઈ સોલંકી જેઓ દેશના સાંસદ સભ્ય છે. તેઓએ પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી હતી છતાં પણ બ્રિજનું નામ રાખવામાં ન આવ્યો નથી. બ્રિજનું નામકરણ સંત રોહિદાસ ઓવરબ્રિજ ન રાખવામાં આવતા હવે દલિત સમાજ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવશે.

બે વર્ષથી બ્રિજ બંધ હોવાથી ભારે મુશ્કેલીઓ પડે છે
નરોડા રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. નરોડા અને તેની આસપાસના રહેતા લોકોને છેલ્લા બે વર્ષથી આ બ્રિજ બંધ હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બ્રિજ હવે સંપૂર્ણપણે બનીને તૈયાર છે પરંતુ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં હજી પણ વિલંબ તથા તેવી શક્યતાને પગલે સ્થાનિક રહીશો દ્વારા આ બ્રિજનું બે દિવસ પહેલા જાતે લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું અને બીજું નામ પણ સંત રોહીદાસ ઓવરબ્રિજ રાખવામાં આવ્યું હતું.

બાકીની કામગીરી ઝડપથી પૂરી કરવા અધિકારીઓને સૂચના
સ્થાનિક રહીશો દ્વારા આ બ્રિજ ચાલુ કરી દેવામાં આવતા તાત્કાલિક ધોરણે બીજા દિવસે સવારે બેરીકેડ મુકી અને બંધ કરવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહપુર બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ અને નરોડા સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓ તાત્કાલિક બ્રિજ પર પહોંચ્યા હતા. રેલવે ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરી અને જે કામગીરી બાકી હોય તે ઝડપથી પૂરી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *