તલાટીની ફીક્સ પગારની 3400 જગ્યા માટે 17 લાખ અરજી એ ભાજપના રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાખ્યો

Contact News Publisher

ભાજપ સરકાર ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તલાટીની ફીક્સ પગારની 3400 જગ્યા માટે 17 લાખ અરજી એ ભાજપના રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાખ્યો છે. રાજ્યમાં સરકારી ચોપડે ત્રણ લાખ કરતા વધુ શિક્ષીત બેરોજગાર નોંધાયા છે, 30થી 35 લાખ શિક્ષીત બેરોજગારો ન નોંધાયેલ છે ત્યારે મોંઘુ શિક્ષણની ભેટ આપનાર ભાજપની ભ્રષ્ટ સરકારમાં ગુજરાતના યુવાનો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા સાથે લાંબા સમયથી લાખો યુવાન મહેનત કરે છે, પરંતુ ભાજપ સરકાર તેમના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી
વર્ષ 2018માં તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયામાં 2937 જગ્યા માટે 35 લાખ યુવાનોએ અરજી કરી હતી. જેમની પાસેથી પરીક્ષા ફી પેટે 20 કરોડ જેટલા અધધ રૂપિયા વસુલ કરવામાં આવ્યા જે ભરતી રદ કરતા પરત કરવામાં ભાજપ સરકારે ઠાગાઠૈયા કર્યા હતા. ડીજીટલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારે 110 રૂપિયાની ફી પાછી મેળવવા માટે 700 રૂપિયા ખર્ચીને યુવાનોને રાજ્યની જુદી જુદી જીલ્લા પંચાયત ધક્કા ખાવા મજબુર કર્યા હતા. પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી, પરિણામ જાહેર થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે છે. સરકારની નીતિથી સામાન્ય મધ્યમવર્ગના પરિવારના લાખો યુવાનોના સમય, શક્તિ અને નાણાં ખર્ચાશે અને ભરતી ક્યારે થશે તેની કોઈ નિશ્ચિત તારીખ નથી. તલાટી ભરતી માટે 15-15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સમગ્ર ગુજરાતના યુવાનોએ અનુભવ્યું છે.

ચાર-ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી
ગુજરાતમાં વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ થઇ રહ્યો છે. ચાર-ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી. ગુજરાતમાં 17.265 ગ્રામપંચાયતમાં 7133 તલાટીની જગ્યાઓ સામે માત્ર 3400 જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે 5 ગામ વચ્ચે 1 તલાટીની કામગીરી શું આ રીતે ગતિશીલ બનશે ગુજરાત? શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન-યુવતીઓનું મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બધ કરે.

‘રમશે ગુજરાત’ની વાતો, પણ 15 વર્ષથી ભરતી થતી નથી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ 1, ટેટ 2, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની 15 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.

50,000 યુવાનો-યુવતીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે
શું આ રીતે રમશે ગુજરાત? તલાટી ભરતી માટે 15-15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. મલ્ટીપરપઝ હેલ્થવર્કર અને નર્સિંગ સહીત મેડિકલ-પેરામેડીકલની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે કોરોના મહામારીમાં લાખો નાગરીકો હેરાન પરેશાન થઇ ગયા. ગ્રામસેવકની ભરતીની જાહેરાતને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી ભરતીના ઠેકાણા નથી. ટેટ-ટાટ પાસ થયેલ 50,000 જેટલા યુવાનો-યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે જેની ગંભીર અસર ગુજરાતના શિક્ષણ પર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News