આઠ વર્ષની માસુમ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી, દીકરીના પરિવાર અને નરાધમના પરિવારની એકજ માગ, આરોપીને ફાંસીના માંચડે ચડાવો

Contact News Publisher

મૃતદેહ મળી આવ્યો તે સ્થળે તપાસ કરી રહેલી પોલીસ - Divya Bhaskar

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાના એવા જાંત્રાખડી ગામમાં હૈયું હચમચી ઉઠાવતી ઘટના બની છે. જેમાં આઠ વર્ષની કુમળી વયની દીકરી પાસે વસ્તુ મંગાવવાના બહાને ઘરમાં બોલાવી નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજારી બાદમાં પાપ છુપાવવા માટે હત્યા કરી મૃતદેહને ગામના સીમાડે અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આ ઘટનાની હક્કીતો સામે આવતા ગ્રામજનો અને પંથકવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને એએસપી ઓમપ્રકાશ જાટએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ દોર હાથમાં લીધાના ગણતરીના કલાકોમાં જ નરાધમ શખ્સની ઓળખ કરી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શખ્સને ફાંસીની સજા અપાવવા તેના જ પરિવારજનોએ માંગ કરી છે.

મૃતદેહને કોથળામાં ભરી સીમાડે મૂકી આવ્યો હતો
માનવજાતને હચમચાવતી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના જાત્રખાડી ગામના કૌશિકગીરી ઇશ્વરગીરી મેઘનાથી મુંબઈ મુકામે દરજી કામ કરે છે. તેમના પત્ની જયશ્રીબેન મજૂરી કામ કરે છે તેમના પરિવારમાં પુત્ર આર્યન અને એક આઠ વર્ષની દીકરી છે. જયશ્રીબેન ગામમાં રામરોટી લેવા ગયા હતા. દસેક વાગ્યે પાડોશીએ માસુમ દીકરીને ગામમાં સેવ લેવા મોકલી હતી. ત્યારે રસ્તામાં આરોપી શામજી ભીમાભાઈ સોલંકીએ આ દીકરીને પૈસા આંપી તેમના માટે બીડી- બાકસ મંગાવ્યા હતા. બાદમાં બજારમાંથી વસ્તુઓ લઈ દીકરી બીડી-બાકસ દેવા ઘરમાં ગઇ એ સમયે ઘરમાં એકલો હોવાથી શામજીએ પોત પ્રકાશ્યુ હોય તેમ દીકરીને અંદર ખેચી દરવાજો બંધ કરી માસુમ ઉપર દુષ્કર્મ આચાર્યુ હતુ. બાદમાં પોતાનાથી થયેલા જનધન્ય કૃત્યની કોઈને જાણ ન થાય તે માટે માસુમની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી નાખી હતી. બાદમાં માસુમના મૃતદેહને કોથળામાં નાંખી ગામના સીમાડે આવેલા 66 કે.વી.ની સામે પાળાની પાછળ આવાવરૂ જગ્યામાં ફેંકી આવીને ઘરે સુઈ ગયો હતો.

બીજી તરફ માસુમની માતા જયશ્રીબેન રામરોટી લઈને ઘેરે આવ્યા ત્યારે દીકરી જોવા ન મળતા આડોશ પાડોસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, પાડોશીએ સેવ લેવા મોકલી છે, ત્યાંથી હજુ સુધી આવી ન હોવાથી શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયા માસુમની લાશ ગામના સીમાડે અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી.

આરોપી ઘરમાંથી જ ઝડપાયો
આ ગંભીર ઘટના હોવાથી એએસપી ઓમપ્રકાશ જાટએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ સંભાળી લઈ જૂદી જૂદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બાદમાં માસુમના મૃતદેહને પીએમ માટે પેનલ પીએમ કરાવવા જામનગર મોકલવા તજવીજ હાથ ધરી હતી. જોકે, સાંજે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસમાં જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. બાદમાં મોડી સાંજે ઘટનાને લઈ મળેલી મહત્વપુર્ણ માહિતીના આધારે જઘન્ય કૃત્ય આચરનાર આરોપી શામજીને તેના ઘરમાંથી જ દબોચી લેવામાં આવ્યો હતો. તેના ઘરમાંથી કેટલાક મહત્વના પુરાવાઓ મળી આવ્યા હોવાથી ઘરને સીલ કરી દઈ ફોરેન્સીક ટીમને બોલાવવામાં આવી હતી. આ ઘટનાને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી લેવાની કરેલી કાર્યવાહીને ગ્રામજનોએ આવકારી આરોપી શખ્સને દાખલારૂપ કડક સજા કરાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આરોપી શામજી માછીમારી કરતો હોવા સાથે પરિણીત અને બે સંતાનોનો પિતા છે. પરંતુ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી વારંવાર ઘરમાં ધમાલ કરતો હતો. જેથી ઘણા સમયથી તેની પત્ની રીસામણે હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, માનવજાતને શર્મસાર કરતી આ ઘટનામાં પકડાયેલા શખ્સે કરેલા કૃત્ય બદલ સમાજમાં દાખલો બેસે તે માટે તેને ફાંસીની સજા કરાવવા તેના જ કાકી શંકુબેન અને પિતરાઈ ભાઈએ મીડિયા મારફત માંગ કરી છે. તો ઘટનાના પગલે ગામમાં દોડી આવેલા પોલીસવડા સમક્ષ જંત્રાખડી ગામના તમામ ગ્રામજનોએ ભેગા થઈ થયું આરોપી શખ્સને ફાંસીના માંચડે ચડાવવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *