મુંબઈમાં ઉંદરની મદદથી પોલીસને ૧૦ તોલા સોનાની ભાળ મળી

Contact News Publisher

મુંબઈ પોલીસે એક ઉંદરની મદદથી  ગુમ થયલા ૧૦ તોલા સોનાની ભાળ મેળવી હતી. પાંચ લાખ રૃપિયાના સોનાને પોલીસે કચરાના ઢગલામાંથી શોધી કાઢ્યું હતું. એમાં ઉંદરે મદદ કરી હતી!
મુંબઈના પૂર્વ દિંડોશીમાં એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. ઘરકામ કરતી એક મહિલા સુંદરી પ્લાનિબેલ બચતમાંથી લીધેલું સોનું ૧૩મી જૂને બેંકમાં ગીરવે રાખવા જતી હતી. રસ્તામાં બે બાળકો ભૂખ્યા ટળવળતા હતા. એ જોઈને સુંદરીએ તેની પાસે એક વડાપાંવની થેલી હતી એ તેને આપી દીધી. સુંદરી બેંકમાં પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે સોનું પણ તેણે એ વડાપાંવની થેલીમાં જ રાખ્યું હતું. ભૂલનો અહેસાસ થતાં એ ફરીથી જ્યાં બાળકોને વડાપાંઉ આપ્યું હતું ત્યાં આવી, પરંતુ ત્યાં કોઈ ન હતું.
તેણે પોલીસને ફરિયાદ કરી. પોલીસે સીસીટીવીની મદદથી એ ભૂખ્યા બાળકો અને તેની માતાની ભાળ મેળવી. બાળકોની માએ કહ્યું હતું કે તેમને વડાપાંઉ ખાવા ન હતા એટલે થેલી કચરામાં ફેંકી દીધી છે. તેણે જ્યાં કચરો ફેંક્યો હતો ત્યાં પોલીસે તપાસ કરી, પરંતુ થેલી ન મળી. સીસીટીવીમાં જોયું તો ખબર પડી કે જે થેલીને પોલીસ શોધે છે એ થેલીનો કબજો એક ઉંદરે લઈ લીધો છે. પાંઉ ખાવા માટે ઉંદર એ થેલીને ખેંચીને નાળામાં લઈ ગયો હતો. પોલીસે ઉંદરનું પગેરું દબાવીને નાળામાં જોયું તો એ થેલી મળી આવી હતી. એમાંથી ૧૦ તોલા સોનું પણ મળી આવ્યું હતું. આવા નાટયાત્મક ઘટનાક્રમમાં પોલીસે એક કામવાળી બાઈને તેની બચતમાંથી લીધેલું સોનું પાછું શોધી આપ્યું હતું. ઘરકામ કરતી સુંદરીએ પોલીસનો આભાર માનતા કહ્યું હતું કે જો મને આ સોનું ન મળ્યું હોત તો મારે આપઘાત કરવાનો વખત આવ્યો હોત. ઉંદરની મદદથી પોલીસે સોનું શોધી કાઢ્યું એ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *